ભુજ: ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે કચ્છ જિલ્લાના આશરે ૭૦૦ જેટલા કર્મચારીઓ અને શ્રમિકોએ વિરોધ પ્રદર્શન કરી પોતાની પડતર માંગણીઓ અંગે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આંદોલનમાં આંગણવાડી, આશા વર્કર, મધ્યાહ્ન ભોજન, એસ.ટી., પાણી પુરવઠા, જીએમડીસી, સિમેન્ટ ઉદ્યોગ, વિદ્યુત, એલઆઈસી, બેંકિંગ, પોસ્ટલ અને જીઆઈએસએફ ક્ષેત્રના કર્મચારીઓ જોડાયા હતા.
આવેદનપત્રમાં લઘુતમ વેતનમાં વધારો, પેન્શન અને ઈપીએફ, સમાન કામ સમાન વેતન, શ્રમ સંહિતામાંથી શ્રમિક વિરોધી જોગવાઈઓ દૂર કરવા, ગ્રેચ્યુઈટી મર્યાદા વધારવા, બેંકિંગ ક્ષેત્રમાં સપ્તાહમાં ૫ દિવસનું કામ તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
(ઉત્સવ વૈદ્ય)