જૂનાગઢઃ હાલ સિંહોનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. જેમાં કોઈ વ્યક્તિ ખલેલ પાડે તો તેને ફાડી પણ નાખે છે. તાજેતરમાં આવી કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં સિંહની પજવણી કરનારા 3 અમદાવાદી પાટીદાર ઝડપાયા હતા. પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરીને સિંહને પજવણી કરતા હોવાની માહિતી વન વિભાગને મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન અને સિંહોની પજવણી રોકવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગીરની જસાધાર રેન્જમાં રાત્રિના સમયે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી ગેરકાયદે સિંહ દર્શન અને વન્યજીવોની પજવણી કરતા ત્રણ લોકોને વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા ત્રણેય શખ્સો અમદાવાદના નિકોલના રહેવાસી હતા. તેમની ઓળખ આશિષ વિરાણી (ઉં.વ. 40), અર્ચિત જિયાણી (ઉં.વ. 28) અને ધવલ વસોયા (ઉં.વ.36) તરીકે થઈ હતી. ઝડપાયેલા ત્રણેય સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
વન વિભાગની અપીલ
વન વિભાગે પ્રવાસીઓ અને સ્થાનિકોને ગેરકાયદેસર સિંહ દર્શન કે પજવણી જેવી પ્રવૃત્તિ ન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું જણાય તો તરત જ વન વિભાગને જાણ કરવા જણાવાયું હતું.