Fri Apr 17 2026

Logo

ટ્રમ્પ બાદ હવે મિડલ ઈસ્ટ મુદ્દે મોદી-મેક્રોન વચ્ચે ચર્ચા, હોર્મુઝ જળમાર્ગ સુરક્ષા પર ભાર મૂક્યો

2026-04-16 21:57:00
Author: Viral Rathod
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, મારા મિત્ર એવા ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો હતો. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર વિગતવાર વાતચીત કરી હતી, આ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા મુદ્દે તથા નેવિગેશનની આઝાદીને લઈને તરત એક્શન લેવાની જરૂરિયાત પર સહમતી દર્શાવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિવાર્તા પાકિસ્તાનમાં નિષ્ફળ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ સમુદ્રી જળમાર્ગ ખોલવા માટે અલગ અલગ સ્તરે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

વડા પ્રધાને ટ્વિટ કર્યું


આ માહોલ વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅલ મેક્રોને ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિડલ ઈસ્ટના હાલાત પર વાતચીત કરી હતી, આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરી હતી. જેમાં મિડલ ઈસ્ટ અને હોર્મુઝ જળમાર્ગના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત બાદ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ મૂકી હતી. મોદીએ લખ્યું હતું કે, મારા મિત્ર એવા રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો હતો. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગમાં સુરક્ષા અને જહાજના પરિવહનની સ્વતંત્રતા ઝડપથી થાય એ જરૂરિયાત પર સહમતી દર્શાવી છે. અમે આ વિસ્તાર અને એનાથી પણ આગળ એવી શાંતિ તેમજ સ્થિરતાને આગળ વધારવાના પ્રયોગ પર સહયોગ યથાવત રાખીશું. 

 

અમેરિકાએ આપી મોટી ખાતરી

અમેરિકાએ ઈરાનના પોર્ટ પર સૈન્ય ઘેરાબંધી યથાવત રાખી છે. આના કારણે પોર્ટ પરથી સમુદ્રી જહાજની અવરજવર અટકી ગઈ છે. અમેરિકાનું એવું કહેવું છે કે, આ પગલું હોર્મુઝ સ્ટ્રેટ તમામ લોકો માટે ખોલી નાખવામાં આવે એ હેતુથી ઊઠાવવામાં આવ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના સતત હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે, જેની માઠી અસર એશિયા સહિત અન્ય દેશ પર થઈ રહી છે. આ પાછળનું કારણ એ છે કે, હોર્મુઝમાંથી મોટાભાગના દેશના ક્રૂડ અને ગેસના જહાજ પસાર થાય છે. પાકિસ્તાનની ધરતી પર શાંતિવાર્તા નિષ્ફળ થયા બાદ હવે દરેક રાષ્ટ્રનું ધ્યાન હોર્મુઝ સ્ટ્રેટ પર કેન્દ્રીય થઈ રહ્યું છે.