Sat May 09 2026

Logo

સ્કૂલ વૅન અકસ્માત કેસ:  ટ્રિબ્યુનલે નાગપુર આરટીઓ ઓફિસરના સસ્પેન્શન સામે સ્ટૅ આપ્યો

2026-05-09 17:20:38
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (એમએટી) નાગપુરના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર કિરણ બિડકરને વચગાળાની રાહત આપી છે, જેને વર્ષ 2025માં થયેલા જીવલેણ સ્કૂલ વેનના અકસ્માત સંદર્ભે ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ અકસામાતમાં વૅનના ડ્રાઇવર અને વિદ્યાર્થીનાં મોત થયાં હતાં.

ટ્રિબ્યુનલ દ્વારા શુક્રવારે જારી કરાયેલા આદેશમાં કિરણ બિડકરના સસ્પેન્શન પર રોક લગાવાઇ અને તેને તાત્કાલિક ડ્યૂટી પર પાછા ફરવાની મંજૂરી અપાઇ, જ્યારે રાજ્ય સરકારને મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ નિયમો હેઠળ શરૂ કરાયેલી શિસ્તભંગની કાર્યવાહી સામેની બિડકરની અરજીના જવાબમાં સોગંધનામું દાખલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

નાગપુરમાં 12 સપ્ટેમ્બર, 2025ના રોજ સ્કૂલ વૅન અને સ્કૂલ બસ વચ્ચે થયેલા અકસ્માત સંદર્ભે બિડકરને બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સસ્પેન્શનનો આદેશ આગામી આદેશો સુધી સ્થગિત છે. અરજદારને આજે જ ફરજ પર જોડાવાની પરવાનગી આપવામાં આવશે, એમ આદેશમાં જણાવાયું છે.

રાજ્ય સરકારે બિડકરને મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ રૂલ્સ હેઠળ સસ્પેન્ડ કર્યો હતો અને મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ (શિસ્ત અને અપીલ) રૂલ્સ, 1979 હેઠળ તેની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી હતી. સસ્પેન્શન ઓર્ડર મુજબ અકસ્માતમાં સંડોવાયેલી સ્કૂલ વૅન કથિત રીતે માન્ય ફિટનેસ સર્ટિફિકેટ વિના ચલાવવામાં આવી રહી હતી અને આરટીઓ ઓફિસના હૅડ તરીકે બિડકરે પ્રથમ દૃષ્ટિએ તેની ફરજ અને જવાબદારીઓ નિભાવવામાં બેદરકારી દાખવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ 2 મેના રોજ લખેલા પત્રમાં નાગપુરમાં માર્ગ સુરક્ષા જાગૃતિ અને અમલીકરણ બદલ બિડકરના કાર્યની પ્રશંસા કર્યાના થોડા દિવસ બાદ આ સસ્પેન્શન આવ્યું હતું. (પીટીઆઇ)