Sat Sep 12 2026

Logo

થાણેમાં પાર્ક કરેલા ત્રણ ટૂ-વ્હીલરમાં આગ

2026-05-09 18:29:41
Author: સપના દેસાઈ
થાણેમાં પાર્ક કરેલા ત્રણ ટૂ-વ્હીલરમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે શનિવારે વહેલી સવારના આગના બે બનાવ બન્યા હતા, જેમાં થાણે પૂર્વમાં કોપરી વિસ્તારમાં પાર્ક કરેલા ત્રણ ટૂ-વ્હીલરમાં શનિવારે વહેલી સવારના લાગેલી આગમાં બે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. તો બીજો બનાવ થાણે પશ્ર્ચિમમાં ઘોડબંદર રોડ પર બન્યો હતો, જેમાં કંટેનરમાં આગ લાગી હતી. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલના જણાવ્યા મુજબ કોપરીમાં ભાસ્કર ટાવર નજીક ત્રણ ટૂ-વ્હીલર પાર્ક કરવામાં આવ્યા હતા. શનિવારે વહેલી સવારના ૪.૧૯ વાગે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં બે ટૂ-વ્હીલર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી, જયારે ત્રીજી ગાડીને મામૂલી નુકસાન થયું હતું. લગભગ ૧૫ મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

આગનો બીજો બનાવ થાણે પશ્ર્ચિમમાં  ઘોડબંદર રોડ પર માનપાડા બ્રિજ પાસે  દોસ્તી ઈમ્પેરિયા બિલ્િંડગ સામે બન્યો હતો, જેમાં વહેલી સવારના ન્હાવાસેવાથી સિલવાસા જઈ રહેલા કંટેનરની કેબિનમાં  ૫.૪૦ વાગે શોર્ટ સર્કિટ થઈને આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને આગને નિયંત્રણમાં લાવી હતી. દસેક મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને જે કંટેનરમાં આગ લાગી હતી, તેને રોડ પર એકબાજુએ કરી દીધો હતો.