ચેન્નાઈઃ વિજયએ નવી પાર્ટી બનાવીને પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુના કદાવર નેતાઓને માત આપી છે. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર વિજય આજે રાજકારણના અસલી 'કિંગ' બનીને ઉભર્યા છે. તેની પાર્ટી TVK એ પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) જેવી દિગ્ગજ પાર્ટીઓને હંફાવીને ઈતિહાસ રચ્યો છે. પરંતુ, શું તમે જાણો છો કે વિજય ક્યારેય પોતાની પાર્ટી બનાવવા માંગતા નહોતો? તે કોંગ્રેસમાં જોડાવવા માંગતો હતો, પણ રાહુલ ગાંધીની એક શરતે મામલો બગડ્યો અને કોંગ્રેસે એક દિગ્ગજ નેતા ગુમાવી દીધો!
2009માં વિજય કોંગ્રેસમાં જોડાવવા માટે તૈયાર હતો
વર્ષ 2009માં જ્યારે કેન્દ્રમાં UPA-2ની સરકાર હતી, ત્યારે વિજય પોતાના પિતા એસ.એ. ચંદ્રશેખર સાથે દિલ્હી ગયો હતો. વિજય તે સમયે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) માં જોડાવવા માટે ખૂબ જ ઉત્સુક હતો. આ સમયે રાહુલ ગાંધી યુથ કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં હતા.
રાહુલ ગાંધીની એ શરત અને વિજયનો ઈનકાર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિજય રાહુલ ગાંધીને મળ્યા, ત્યારે રાહુલે તેમની સામે એક શરત મૂકી હતી. રાહુલ ગાંધીએ કહેલું કે, "તમે સીધા પાર્ટીમાં જોડાવાને બદલે યુથ કોંગ્રેસની ચૂંટણી લડો અને તમારી જાતને સાબિત કરો." વિજયને આ રીતે ચૂંટણી લડીને પાયાથી શરૂઆત કરવાની શરત મંજૂર નહોતી. એટલે તેણે કોંગ્રેસમાં જોડાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પરંતુ વિજયને ક્યાં ખબર હતી કે, તે ભવિષ્યમાં મુખ્ય પ્રધાનનો દાવેદાર થવાનો છે.
કોંગ્રેસમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી ત્યારે વિજય 34 વર્ષનો હતો અને પોતાની 50મી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, તે સમયે કોંગ્રેસની સહયોગી પાર્ટી ડીએમકે (DMK) પણ નહોતી ઈચ્છતી કે વિજય કોંગ્રેસમાં જોડાય! ડીએમકેને ડર હતો કે જો સુપરસ્ટાર વિજય કોંગ્રેસમાં આવશે તો રાજ્યમાં કોંગ્રેસ વધુ શક્તિશાળી બની જશે.
વિજયે રાહુલ ગાંધીની શરત માની હોત તો?
મૂળ વાત એ છે કે, તમિલનાડુના લોકો વિજયને મુખ્ય પ્રધાન બનાવવાની તૈયારી કરી રહ્યાં હતાં. જો વિજયે તે સમયે રાહુલ ગાંધીની શરત માની હોત, તો આજે તેઓ કદાચ કોંગ્રેસના માત્ર એક નેતા હોત! પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. આ પછી થોડા વર્ષો સુધી તેણે ફરી ફિલ્મોમાં જ કામ કર્યું અને પછી પોતાની પાર્ટી TVK બનાવી અને આજે તેઓ તમિલનાડુના મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસવા જઈ રહ્યો છે. સંજોગ જુઓ જે રાહુલ ગાંધીને તેમણે ના પાડી હતી, આજે તે જ કોંગ્રેસ વિજયને સમર્થન આપી રહી છે.