જયપુરઃ પિન્ક સિટી તરીકે જાણીતા જયપુરમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે થનારા મુકાબલાનું પરિણામ પૉઇન્ટ્સ-ટેબલના ટોચના સ્થાનોમાં મોટા ફેરફાર કરાવશે. આ મૅચ પહેલાં હૈદરાબાદ પ્રથમ સ્થાને અને પંજાબ બીજા નંબર પર છે, પરંતુ જો આજે ગુજરાત જીતશે તો પાંચમા સ્થાનેથી પંજાબને હટાવીને બીજા નંબર પર આવી જશે અને યજમાન રાજસ્થાનને આજનો વિજય ચોથા નંબર પરથી હૈદરાબાદના સ્થાને મોખરે પહોંચાડી શકે.

ગુજરાત અને રાજસ્થાનની ટીમ આ વખતની ટૂર્નામેન્ટના જીત-હારના એકસરખા આંકડા સાથે જયપુરના મેદાન પર ઊતરશે. બન્ને ટીમ 10માંથી છ મૅચ જીતી છે અને ચાર મૅચ હારી છે. શનિવાર, ચોથી એપ્રિલે અમદાવાદમાં રાજસ્થાને (6/210) રવિ બિશ્નોઈની ચાર વિકેટ બદલ ગુજરાત (8/204)ને છેલ્લી ક્ષણોના થ્રિલરમાં પેસ બોલર્સ જોફ્રા આર્ચરની 19મી તથા (ખાસ કરીને) તુષાર દેશપાંડેની અસરદાર 20મી ઓવરને કારણે છ રનના ટૂંકા તફાવતથી હરાવ્યું હતું. હવે આજે ગુજરાત એ હારનું સાટું વાળવા કોઈ કસર નહીં છોડે.
ગુજરાતની ટીમ છેલ્લી ત્રણેય મૅચ જીતીને ટૉચના સ્થાને રહેલી ટીમોને પડકારી રહી છે, જ્યારે શરૂઆતમાં ચારેય મૅચ જીતનારી રાજસ્થાનની ટીમે છેલ્લી પાંચમાંથી ત્રણ મૅચમાં પરાજય જોવા પડ્યા છે. બન્ને ટીમના 12-12 પૉઇન્ટ છે અને રનરેટના નજીવા તફાવતને લીધે ગુજરાતથી રાજસ્થાન એક ક્રમ આગળ છે.
વૈભવની પ્રથમ સદી ગુજરાત સામે હતી
રાજસ્થાન પાસે ટૉપ-ઑર્ડરમાં વૈભવ સૂર્યવંશી (404 રન), યશસ્વી જયસ્વાલ (312 રન) તથા ધ્રુવ જુરેલ (290 રન) જેવા સ્ટાર બૅટ્સમેનો છે. વૈભવે ગયા વર્ષે પ્રથમ સેન્ચુરી ગુજરાત સામે જ ફટકારી હતી. રાજસ્થાનના મિડલ-ઑર્ડરમાં માત્ર ડૉનોવાન ફરેરા (229 રન) ભરોસાપાત્ર છે એટલે રાજસ્થાનની ટીમે મૅચમાં મધ્યની ઓવર્સમાં સારા પર્ફોર્મન્સ બતાવવા પડશે. ગુજરાત પાસે પણ મજબૂત ટૉપ ઑર્ડર છે એટલે રાજસ્થાનના બોલર્સે તેમને અંકુશમાં રાખવા પડશે. કૅપ્ટન શુભમન ગિલ (378 રન), સાઇ સુદર્શન (385 રન) અને જૉસ બટલર (335 રન) મોટી ભાગીદારીથી ગુજરાતને જિતાડી શકે એમ છે.
હેડ-ટુ-હેડ મુકાબલા
આઇપીએલના ઇતિહાસમાં બન્ને ટીમ વચ્ચે કુલ નવ મૅચ રમાઈ છે જેમાંથી છ ગુજરાતે અને ત્રણ રાજસ્થાને જીતી છે. બન્ને ટીમ વચ્ચેની નવ મૅચોમાં સૌથી વધુ 332 રન શુભમન ગિલના નામે છે, જ્યારે સૌથી વધુ 11 વિકેટ ગુજરાતના જ રાશીદ ખાનના નામે છે.
ગિલ અને રિયાને કોનાથી ચેતવું?
શુભમન ગિલે રાજસ્થાનના પેસ બોલર જોફ્રા આર્ચર સામે ખાસ ચેતવું પડશે, કારણકે આ બ્રિટિશ બોલર તેને છ મુકાબલામાંથી ત્રણમાં આઉટ કરી ચૂક્યો છે. બીજી બાજુ, પહેલી મેએ જયપુરમાં દિલ્હી સામે 50 બૉલમાં 90 રન બનાવનાર રાજસ્થાનના સુકાની રિયાન પરાગે આજે ગુજરાતના જેસન હોલ્ડર તથા રાશીદ ખાન સામે ખાસ ચેતવું પડશે. રિયાનને હોલ્ડર બન્ને મુકાબલામાં અને રાશીદ ખાન છમાંથી બે મૅચમાં આઉટ કરી ચૂક્યો છે.
બન્નેની સંભવિત ટીમઃ
ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), સાઇ સુદર્શન, નિશાંત સિંધુ, વૉશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, માનવ સુથાર, અર્શદ ખાન, કૅગિસો રબાડા અને (12મો પ્લેયર) મોહમ્મદ સિરાજ.
રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ડૉનોવાન ફરેરા, રવીન્દ્ર જાડેજા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નેન્ડ્રે બર્ગર/દાસુન શનાકા, તુષાર દેશપાંડે અને (12મો પ્લેયર) બ્રિજેશ શર્મા.