Sat May 09 2026

Logo

UAEએ પાકિસ્તાનીઓને રાતોરાત બોરિયા બિસ્તરા પેક કરાવ્યા, જાણો કેમ

DUBAI   2026-05-09 16:43:29
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકા અને ઇરાન વચ્ચે મધ્યસ્થતા કરવાનું  પાકિસ્તાનને ભારે પડી ગયું છે. યુએસઇએ સખત નારાજગી દર્શાવતા હજારો પાકિસ્તાની શિયા કામદારોને દેશમાંથી ડિપોર્ટ કરી દીધા છે. યુએસઇના પાકિસ્તાન સાથેના સંબંધો બગડી ગયા છે. સંયુકત આરબ અમીરાતમાંથી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને રવાના કરવામાં આવી રહ્યા છે. 

યુએઇ કેમ પાકિસ્તાનથી નારાજ છે

ખાડીમાં ઘણાં સપ્તાહ સુધી ચાલેલા સંઘર્ષ બાદ અમેરિકા અને ઇરાનમાં વાતચીત કરાવવામાં પાકિસ્તાને મહત્વની ભૂમિકા નિભાવી હતી. એક રિપોર્ટ અનુસાર યુએઇ એ વાતને લઇને નારાજ છે કે પાકિસ્તાને અમીરાત ક્ષેત્રોને નિશાન બનાવીને કરવામાં આવેલા ઇરાની હુમલાની ટીકા નહોતી કરી.

આ નારાજગીના કારણે યુએસઇ તરફથી પાકિસ્તાનીઓ પર આ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનીઓને કોઇપણ જાતનું કારણ આપ્યા વિના ડિપોર્ટ કરાઇ રહ્યા છે. ડિપોર્ટ કરતા પહેલા આ પાકિસ્તાનીઓને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. 

પાકિસ્તાની શિયાઓનું કહેવું છે કે તેમના સમુદાયના લોકોને કોઇપણ જાતના કારણ વગર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કારણ કે તેમના ઇરાન સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ છે. સામાજિક સંગઠનોનું અનુમાન છે કે એપ્રિલના મધ્યથી લઇને અત્યાર સુધી હજારો પરિવાર આ ડિપોર્ટથી અસર પામ્યા છે. 

જો કે યુએઇએ આ અંગે હજુ સુધી કોઇ સાર્વજનિક નિવેદન નથી આપ્યું. બીજી તરફ પાકિસ્તાને પણ સાર્વજનિક ડિપોર્ટેશનના દાવાને ફગાવી દીધા છે. 

પાકિસ્તાની ઇકોનોમી માટે મોટો ઝટકો

આ મુદ્દે પાકિસ્તાની ચિંતાઓમાં વધારો કર્યો છે. કારણ કે યુએઇથી આવતું રેમિટન્સ પાકિસ્તાની ઇકોનોમી માટે એક મોટી જીવનરેખા છે. હાલ 20 લાખથી વધુ પાકિસ્તાની યુએઇમાં રહે છે અને કામ કરે છે. ગયા વર્ષે જ યુએઇમાં રહેતા પાકિસ્તાનીઓએ 8 અબજ ડોલરથી વધુ રકમ પાકિસ્તાન મોકલી હતી. 

પાકિસ્તાની કૂટનીતિ અને કથળતી ઇકોનોમી હાલ ખાડી દેશોના બદલાતા વલણ વચ્ચે ફસાયેલી છે. એક તરફ પાકિસ્તાન સાઉદી અરેબિયાની નજીક જઇ રહ્યું છે તો બીજી તરફ યુએઇનું વલણ પાકિસ્તાન સાથે ઘણું સખત બની ગયું છે. વર્ષોથી પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારને લોનને રોલ ઓવર કરીને ટેકો આપનારા યુએસઇએ તેનું 3.5 અબજ ડોલરનું ઋણ તરત પાછું માંગી લીધું છે. એપ્રિલ 2026માં મજબૂરીમાં પાકિસ્તાને યુએઇને ભારે ભરખમ લોન યુએઇને ચૂકવવી પડી. યુએસઇનું આ પગલું દર્શાવે છે કે પાકિસ્તાનનું સાઉદી તરફ વધારે પડતું ઝુકવું યુએઇને પસંદ નથી પડ્યું.