તમિલના સુપરસ્ટાર અને અભિનેતામાંથી નેતા બનનારા રાજકારણી થલપતિ વિજય (Thalapathy Vijay) વર્તમાન સમયમાં તેમની જિત અને મુખ્ય પ્રધાન બનવાના દાવાને લઈને સતત ચર્ચામાં આવી રહ્યા છે. જોકે, આ સિવાય પણ વિજય થલપતિ એક બીજા કારણસર પણ હાલમાં ચર્ચામાં આવ્યા છે અને આ કારણ એટલે તેમની નેટવર્થ અને રોકાણ કરવાની ખાસ પદ્ધતિને કારણે ચર્ચામાં છે. ચાલો જોઈએ આખરે કઈ ખાસ રીતે વિજય રોકાણ કરે છે અને તેનાથી એને કેટલી કમામી થાય છે...
સોશિયલ મીડિયા પર સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિની સરખામણી દિગ્ગજ ઈન્વેસ્ટર વોરેન બફેટ સાથે કરવામાં આવી રહી છે, કારણ કે વિજય પણ બફેટની જેમ મોટી માત્રામાં 'કેશ' અને સુરક્ષિત રોકાણમાં માને છે. વાત કરીએ વિજયની નેટવર્થ વિશે તો તે ચૂંટણી સોગંદનામા અનુસાર આશરે 624 કરોડ રૂપિયાની છે. જેમાં લિક્વિડ એસેટ્સ 404 કરોડ અને 220 કરોડ રૂપિયાની અચલ સંપત્તિનો સમાવેશ થાય છે.
ફિલ્મો સિવાય વિજય થલપતિની ઈનકમ સોર્સની વાત કરીએ તો પ્રોફેશનલ ફી, પ્રોપર્ટીનું ભાડું અને ઈન્વેસ્ટમેન્ટ પર મળતું ઈન્ટરેસ્ટ એ થલપતિની આવકના પ્રમુખ સાધનો છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે વિજય શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડને બદલે ફિક્સ ડિપોઝિટ (FD) પર વધુ ભરોસો કરે છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર વિજયે અંદાજે 100 કરોડ રૂપિયાની એફડી કરાવી છે.
હવે જો આ વાત સાચી હોય અને વિજયે સાચે રૂપિયા 100 કરોડની એફડી કરાવી હોય તો મહિનાનું તેને લાખો રૂપિયાનું વ્યાજ આવતું હશે. જો સરેરાશ 6.5 ટકા વ્યાજ પણ ગણવામાં આવે, તો તેને દર વર્ષે 6.5 કરોડ રૂપિયા અને દર મહિને આશરે 54 લાખ રૂપિયાની આવક તો માત્ર વ્યાજથી થાય છે.
હવે વાત કરીએ વોરેન બફેટ સાથે વિજય થલપતિની સરખામણીની તો બફેટ હંમેશા કહે છે કે કેશ ઈઝ કિંગ. મુશ્કેલ સમયમાં કે નવી તકો ઝડપવા માટે રોકડ રકમ હાથ પર હોવી જરૂરી છે. વિજયે પણ મ્યુચ્યુઅલ ફંડની તેજી પાછળ દોડવાને બદલે બેંક બચત ખાતા અને એફડી જેવા સુરક્ષિત વિકલ્પો પસંદ કર્યા છે, જે તેમની 'દૂરદર્શિતા' અને 'રિસ્ક ફ્રી' સ્ટ્રેટેજી દર્શાવે છે.
નિષ્ણાતોની રાય પ્રમાણે ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડમાંથી કયુ ઈન્વેસ્ટમેન્ટ બેટર છે એની તો એફડી સુરક્ષિત અને ગેરંટીડ વળતર આપે છે. જેઓ પોતાની મૂડીને સુરક્ષિત રાખવા માંગે છે તેમના માટે એફડી બેસ્ટ ઓપ્શન છે ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તે લાંબા ગાળે એફડી કરતા વધુ વળતર આપી શકે છે, પરંતુ તેમાં માર્કેટનું જોખમ રહેલું હોય છે, એટલે મૂડીની સુરક્ષાની કોઈ ગેરન્ટી રહેતી નથી.