Sat May 30 2026

Logo

મુંબઇમાં ફરી વધ્યા CNGના ભાવ, 15 દિવસમાં બીજી વાર 2 રૂપિયાનો વધારો

2026-05-30 09:35:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઇઃ મુંબઈમાં ફરી એકવાર સીએનજી (CNG) ના ભાવમાં વધારો થયો છે. હવે સીએનજી 86 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) માં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ની કિંમતોમાં સરકારી ગેસ વિતરક કંપની 'મહાનગર ગેસ લિમિટેડ' (MGL) દ્વારા પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ ફેરફાર બાદ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને MMR ના અન્ય વિસ્તારોમાં CNG ની કિંમત વધીને 86 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ જશે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ બીજો ભાવવધારો છે; આ પહેલા MGL એ 14 મેના રોજ પણ કિંમતોમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કર્યો હતો.

માહિતી મુજબ, મહાનગર ગેસ લિમિટેડે 1 કિલો સીએનજી (CNG) ની કિંમત 84 રૂપિયાથી વધારીને 86 રૂપિયા કરી દીધી છે. સીએનજીના આ વધેલા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે. આ પહેલા 14 મેના રોજ પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે પણ કિંમતમાં 2 રૂપિયાનો વધારો કરીને ભાવ 82 રૂપિયાથી 84 રૂપિયા કરવામાં આવ્યો હતો.

ત્યારે મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવવધારા (CNG Price Hike) અંગે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષ (West Asia Conflict) ને કારણે ઊભા થયેલા વૈશ્વિક તણાવને લીધે આ ભાવવધારો કરવામાં આવ્યો છે. જેમાં ગેસ ખરીદવાનો ખર્ચ વધવો, ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ની કિંમતોમાં ઉછાળો, ભારતીય ચલણ (રૂપિયા) માં ઘટાડો અને સપ્લાય ચેઈનમાં અવરોધ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

એક અહેવાલ અનુસાર, આ નવા વૈશ્વિક કારણોને લીધે સીએનજી (CNG) ની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરીને તેને 84 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી છે.

સીએનજી મોંઘો થતાં જ ભાડું વધારવાની માંગ

સીએનજીના ભાવ વધવાથી પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) માં વધારો થશે. મુંબઈમાં ઓટો યુનિયનો પહેલાથી જ ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. આંકડા પર નજર કરીએ તો, મહાનગર ગેસ લિમિટેડ એટલે કે MGL ના જણાવ્યા અનુસાર, મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં આશરે 12 લાખથી વધુ વાહનો સીએનજી પર ચાલી રહ્યા છે.