Sat May 09 2026

Logo

અમેરિકા-ઇરાન સંકટને લઇને ટ્રમ્પનું મોટું નિવેદન, આજે રાતે ઇરાન જવાબ મોકલશે

Washington DC   2026-05-09 10:34:00
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટનઃ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હજુ ઇરાન પાસેથી મોટી આશાઓ છે. ટ્રમ્પને લાગે છે કે ઇરાન તરફથી પોઝિટિવ રિપ્લાય આવી શકે છે. ટ્રમ્પની આ પ્રતિક્રિયા પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ટેન્શનને સમાપ્ત કરવા માટે આપેલા પ્રસ્તાવને લઇને હોઇ શકે છે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન આશા વ્યક્ત કરી કે ઇરાન મોડી સાંજ સુધીમાં જવાબ મોકલશે. તેમને એવું પૂછવામાં આવ્યું કે શું અમેરિકાને ઇરાન તરફથી કોઇ જવાબ મળ્યો છે, તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે કોઇ ઓફિશિયલ પ્રતિક્રિયા નથી આવી પરંતુ ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઇરાન જાણી જોઇને વિલંબ કરી રહ્યું છે, પરંતુ જલદી તેની ખબર પડી જશે.  


 ઈટાલી અને વેટિકનની મુલાકાતે છે રુબિયો

દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ નિવેદન આપ્યું કે અમેરિકા શુક્રવારે ઈરાનના જવાબની રાહ જોઈ રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ઈરાનનો જવાબ ગંભીર હશે અને વાતચીતની દિશામાં આગળ વધશે. રુબિયો અત્યારે ઈટાલી અને વેટિકનની મુલાકાતે છે, જ્યાં તેઓ યુરોપ અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાજદ્વારી વાતચીત કરી રહ્યા છે.

રુબિયોએ એમ પણ કહ્યું કે ઈરાનની આંતરિક સ્થિતિ ઘણી અસ્થિર છે અને ત્યાંની વ્યવસ્થા સંપૂર્ણ રીતે મજબૂત નથી, જેના કારણે જવાબ આપવામાં વિલંબ થઈ શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે સ્થિતિ જલ્દી સુધરશે અને વાતચીત આગળ વધશે.

અમેરિકાને ઇરાનના જવાબનો ઇંતઝાર

આ અગાઉ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનને આપવામાં આવેલો પ્રસ્તાવ માત્ર એક પેજની દરખાસ્ત નથી, પરંતુ તેમાં ઘણી મહત્વની શરતો સામેલ છે. તેમણે જણાવ્યું કે આ પ્રસ્તાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવા જોઈએ નહીં અને તેણે પોતાના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા ઘણા હિસ્સાને છોડવા પડશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાન તરફથી સંમતિ દર્શાવવામાં આવી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ નિર્ણય અંતિમ છે, કારણ કે પરિસ્થિતિ વારંવાર બદલાતી રહે છે અને અલગ-અલગ નેતૃત્વને કારણે સમજૂતી પર અસર પડી શકે છે.

અમેરિકા હવે ઈરાનના જવાબની રાહ જોઈ રહ્યું છે, જેના આધારે નક્કી થશે કે વાતચીત આગળ વધશે કે સંઘર્ષમાં વધુ વધારો થશે.