Thu May 07 2026

Logo

ઉલ્હાસનગરમાં દર્દીના મૃત્યુ બાદ કુટુંબીજનોએ કરી હોસ્પિટલમાં તોડફોડ: ડૉક્ટર-નર્સ પર કર્યો હુમલો

2026-05-07 18:51:48
Author: Yogesh D. Patel
Article Image

loksatta


થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થયા બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ હૉસ્પિટલમાં તોડફોડ કરી હતી, જેને કારણે ડોક્ટરો અને કર્મચારીઓ થોડા સમય માટે હડતાળ પર ઊતર્યા હતા.ભગવાન નિંબોરે નામના શખસને બુધવારે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું મોડી રાતે એક વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આથી પરિવારજનોએ વહેલી સવારે હોસ્પિટલમાં તોડફોડ કરવા સાથે ડોક્ટર અને નર્સ પર હુમલો કર્યો હતો.

દર્દીને મગજ, લીવર અને કિડનીમાં ભારે નુકસાન થયું હતું અને તેને જ્યારે હોસ્પિટલમાં લવાયો હતો ત્યારે તેની હાલત ગંભીર હતી. અમે તેની છેવટ સુધી સારવાર ચાલુ રાખી હતી અને તેની સ્થિતિ અંગે મેયરને અપડેટ આપતા રહ્યા હતા. અમે દર્દીને બીજી હોસ્પિટલમાં મોકલી શકયા હોત, પણ સ્થિતિ એટલી ગંભીર હતી કે તે માર્ગમાં મૃત્યુ પામ્યો હોત, એમ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. મનોહર બનસોડેએ જણાવ્યું હતું.

દર્દીનું મૃત્યુ થયા બાદ તેના પંદરથી 20 સગાંવહાલાં તથા હોસ્પિટલમાં હાજર અન્ય લોકો ઉશ્કેરાયા હતા અને તેમણે ડોક્ટર તથા નર્સ પર હુમલો કર્યો હતો. આ અંગે જાણ થયા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હોવા છતાં ટોળાએ હોસ્પિટલમાં ગ્લાસ પેનલ્સ તોડી નાખી હતી અને કાઉન્ટર, ખુરશીઓ અને દેખરેખ માટેના સાધનોની તોડફોડ કરી હતી. આ ઘટના બાદ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓએ કામ બંધ કરી દીધું હતું અને કઠોર કાર્યવાહી તથા સારી સુરક્ષાવ્યવસ્થાની માગણી કરી હતી.

ઉલ્હાસનગરનાં મેયર અશ્ર્વિની નિકમ અને પાલિકાના અધિકારીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં અને હડતાળ પર ઊતરેલા ડોક્ટરો અને કર્મચારીઓને ખાતરી આપી હતી કે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ તેમણે હડતાળ પાછી ખેંચી લીધી હતી.પોલીસે આ પ્રકરણે ટોળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણેની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)