Thu May 07 2026

Logo

241 કરોડ રૂપિયાનું જમીન સંપાદન વળતર કૌભાંડ: બીડ જિલ્લાના ભૂતપૂર્વ કલેકટરની લાતુરથી ધરપકડ

2026-05-07 18:14:01
Author: Yogesh D. Patel
Article Image

RNO


લાતુર: 241 કરોડ રૂપિયાના જમીન સંપાદન વળતર કૌભાંડ પ્રકરણે બીડ જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર અવિનાશ પાઠકની લાતુરથી ગુરુવારે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.2013 બેચના આઇએએસ ઓફિસર પાઠક (55)ની બીડ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) ગુરુવારે સવારે ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર જમીન સંપાદનના વળતરના ખોટા આદેશ તૈયાર કરવાના આરોપને પગલે બીડના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પાઠક સહિત 10 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.બીડ જિલ્લામાંથી ટ્રાન્સફર થયા બાદ પણ અવિનાશ પાઠકનું નામ, હોદ્દો અને બોગસ હસ્તાક્ષરનો ઉપયોગ કરીને નકલી વળતર મંજૂરીઓ જારી કરવામાં આવી હતી.લાતુરના વતની પાઠક અગાઉ કોવિડ-19 મહામારી દરમિયાન લાતુરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા હતા. તેમણે ધારાશિવ જિલ્લામાં જમીન સંપાદન અધિકારી તરીકે પણ કામ કર્યું હતું.

આ મામલાની તપાસ માટે નિયુક્ત કરાયેલી સમિતિની પ્રાથમિક તપાસ મુજબ 1 માર્ચ, 2025થી 17 એપ્રિલ, 2025 દરમિયાન તત્કાલીન પાઠકનું નામ, હોદ્દો અને હસ્તાક્ષરનો દુરુપયોગ કરીને બનાવટી આદેશો તૈયાર કરવાના 154 કેસ પ્રકાશમાં આવ્યા હતા.આ 154 કેસોમાં 241.62 કરોડ રૂપિયાના વળતર માટે બનાવટી આદેશો તૈયાર કરવામાં આવ્યા હતા. પાઠક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

લાતુર પોલીસની મદદથી બીડની ટીમે લાતુરના હટ્ટે નગર વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનેથી પાઠકની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી આસિસ્ટન્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વ્યંકટરામનના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. (પીટીઆઇ)