Tue Oct 06 2026

Logo

રબર કારખાનાની દીવાલ તૂટી પડતાં ત્રણ કર્મચારીનાં મોત

2026-09-24 20:26:16
Author: Yogesh C. Patel
રબર કારખાનાની દીવાલ તૂટી પડતાં ત્રણ કર્મચારીનાં મોત

પાલઘર: રબરનું ઉત્પાદન કરતા કારખાનાની દીવાલ તૂટી પડતાં ત્રણ કર્મચારીએ જીવ ગુમાવ્યા હોવાની ઘટના પાલઘર જિલ્લાના વાડા ખાતે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ પાલી પોશેરી ગામમાં વિક્રમગડ-વાડા રોડને અડીને આવેલી ટીના રબર ફૅક્ટરીની દીવાલ ગુરુવારની સવારે 10 વાગ્યાની આસપાસ તૂટી પડી હતી. કારખાનાની અંદરની દીવાલ તૂટી પડવાને કારણે કાટમાળ નીચે કેશવ ગુનગુના (55), રંજના કોમ્બ (35) અને મીરા ગવળી (60) દટાઈ ગયાં હતાં.

ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને બેભાન અવસ્થામાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બની ત્યારે ત્રણેય જણ સ્ટોરરૂમમાં નાસ્તો કરતા હતા, એમ પાલઘર ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર વિવેકાનંદ કદમે જણાવ્યું હતું.

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આપ્ટી ગ્રામ પંચાયતના સરપંચ પ્રમોદ પાટીલે જણાવ્યું હતું કે દીવાલને ટેકે મોટી સંખ્યામાં ભારે ગૂણીઓ મૂકવામાં આવી હતી. પરિણામે સ્ટ્રક્ચરલ ઑવરલૉડને કારણે દીવાલ તૂટી પડી હોવાની શક્યતા છે. (પીટીઆઈ)