મુંબઈ: રાજ્યમાં દુષ્કાળજન્ય સ્થિતિ, પાણી અને ઘાસચારાની અછતનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર સરકારે ખાસ પ્રધાન મંડળો ધરાવતી પેટા સમિતિની રચના કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સૂચના બાદ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેની અધ્યક્ષતામાં આ સમિતિ બનાવવામાં આવી છે, તેમાં નવ કેબિનેટ પ્રધાનો ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
22 સપ્ટેમ્બરે મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠક બાદ આપત્તિ વ્યવસ્થાપન, મદદ અને પુનર્વસન વિભાગે 23 સપ્ટેમ્બરે આ અંગેનો શાસન નિર્ણય જાહેર કર્યો હતો. આ ઉપસમિતિને રાજ્યમાં દુષ્કાળ, પાણીની ટંચાઈ અને ઘાસચારાના સંકટ પર સતત નજર રાખી જરૂરી નિર્ણયો લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિ ટંચાઈગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખેડૂતો અને ગ્રામજનોને તાત્કાલિક મદદ અંગે જરૂરી કાર્યવાહી કરશે.
સમિતિમાં જળસંપદા અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન ગિરીશ મહાજન, પાણી પુરવઠા અને સ્વચ્છતા પ્રધાન ગુલાબરાવ પાટીલ, જમીન અને જળ સંવર્ધન પ્રધાન સંજય રાઠોડ, પશુસંવર્ધન તથા પર્યાવરણ પ્રધાન પંકજા મુંડે, કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણેએ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત ગ્રામ વિકાસ પ્રધાન જયકુમાર ગોરે, પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક, મદદ અને પુનર્વસન પ્રધાન મકરંદ પાટીલ તથા સહકાર પ્રધાન બાબાસાહેબ પાટીલ પણ આ સમિતિમાં સામેલ છે.
આ સમગ્ર પ્રધાન મંડળની ઉપસમિતિ દર અઠવાડિયે સમીક્ષા બેઠક યોજશે અને અધિકારીઓ પાસેથી રાજ્યની સ્થિતિનો અહેવાલ મેળવશે. પ્રધાનો જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને જમીની પરિસ્થિતિની પણ સમીક્ષા કરશે.
ખેતરોમાં પાકને થયેલા નુકસાનના પંચનામાની સ્થિતિની તપાસ કરીને ખેડૂતોને વળતર અને અન્ય મદદ અંગે મુખ્ય પ્રધાન તથા બંને નાયબ મુખ્ય પ્રધાનોને પણ ભલામણ કરવામાં આવશે.
આ ઉપરાંત દરેક જિલ્લામાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને પીવાના પાણીનું આયોજન કરવામાં આવશે. પશુઓની સંખ્યા પ્રમાણે ચારા ઉપલબ્ધ કરાવવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત હશે ત્યાં ઉપસમિતિ સરકારને ભલામણ કરશે. સમિતિની બેઠકોનું આયોજન અને સમગ્ર કામગીરીનું સંકલન મદદ અને પુનર્વસન વિભાગ દ્વારા કરવામાં આવશે.