પાલઘર: પાલઘર કોર્ટે છોકરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી. કોર્ટે ભીડભાડવાળા વિસ્તારમાં આવી ઘટના અસંભવ હોવાના બચાવ પક્ષના દાવાને ફગાવી દીધો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આસપાસના લોકોની ઉદાસીનતા’ પીડિતની જુબાનીને નબડી પાડી શકતી નથી.
વિશેષ જજ એ.એચ. કાશિકરે વસઇના મજૂર મધુ ધર્મા ગોવારી (41)ને ભારતીય દંડસંહિતા અને પ્રોટ્કેશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો.
તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર છોકરો (એ વખતે 14 વર્ષનો હતો) 12 ડિસેમ્બર, 2020ના રોજ પોતાના ઘરની નજીક કબૂતરોને ચણ નાખી રહ્યો હતો ત્યારે પડોશમાં રહેનારો આરોપી ત્યાં આવ્યો હતો અને નાના કબૂતરો બતાવવાને બહાને તેને અગાશી પર લઇ ગયો હતો.
આરોપીએ બાદમાં છોકરાનું મોઢું દબાવી દીધું હતું અને તેને ખેંચી રૂમમાં લઇ ગયો હતો, જ્યાં તેના હાથ બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. છોકરો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને આરોપી દ્વારા ધમકીઓ અને લાંચની ઓફર મળી હોવા છતાં છોકરાએ ઘટનાની જાણ તેની માસીને કરી હતી. આથી એ જ દિવસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી.
કોર્ટે બચાવ પક્ષની એ દલીલને ફગાવી દીધી હતી અને ભીડભાડવાળા વિસ્તારમાં આવી ઘટના અસંભવ છે. કોર્ટે કહ્યું હતું કે પુરાવાઓ એ સાબિત કરે છે કે આરોપી અને પીડિત અગાશી પર સાથે હતા, જેનાથી આરોપીનો અન્ય સ્થળે હોવાનો દાવો વિરોધાભાસી સાબિત થાય છે.
કોર્ટે આરોપીને દોષી ઠેરવીને 20 વર્ષની સખત કેદ તથા 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને આ રકમ છોકરાના પુનર્વસન માટે તેને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)