પુણે: બાળકો સહિત અટકાયતમાં લેવાયેલા અમુક લોકોની કસ્ટડીમાં મારઝૂડ, ગેરકાયદે અટકાયત અને જાહેરમાં અમાનિત કરવાના પ્રકરણની રાજ્ય માનવાધિકાર પંચ દ્વારા નોંધ લેવાયા પછી પુણેના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 18 પોલીસ અધિકારી વિરુદ્ધ ગુરુવારે બે એફઆઈઆર નોંધવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંકેત સતીશ ગોસાવીની ફરિયાદને આધારે આ ગુના નોંધવામાં આવ્યા હતા. નવમી સપ્ટેમ્બરે પંચે આપેલા આદેશ અને રાજ્યના પોલીસ વડાના નિર્દેશને પગલે આ કાર્યવાહી કરાઈ હતી.
21 જુલાઈએ બાળકો સહિત અમુક લોકોની કસ્ટડીમાં મારપીટ, ગેરકાયદે અટકાયત, જાહેરમાં પરેડ કાઢવા વાહનના બોનેટ પર બાંધવા બદલ પુણેના ટોચના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની ભલામણ નવમી સપ્ટેમ્બરે પંચે કરી હતી.
પોલીસ વાહનના બોનેટ પર ત્રણ બાળકને બાંધવામાં આવ્યા પછી આંબેગાંવ પાથર પોલીસ આઉટપોસ્ટ તરફ જતા રસ્તા પર તેમની પરેડ કાઢવામાં આવી હતી. ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના એક કેસમાં સંડોવણી બદલ ત્રણેયને તાબામાં લેવાયા હતા.
ફરિયાદ અનુસાર પોલીસે બાળકોને લાકડી અને બેટન્સથી ફટકાર્યા હતા. આ પ્રકરણમાં સિનિયર ઈન્સ્પેક્ટર માનસિંહ પાટીલ પણ જોડાયા હતા. બીજા એફઆઈઆરમાં 20થી 24 જુલાઈ દરમિયાન આઠ બાળકની ગેરકાયદે અટકાયત પછી તેમની મારપીટ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. આમાંથી ચાર બાળકોનું પણ જાહેરમાં અપમાન કરાયું હતું. એ સિવાય બોનેટ પર બાંધીને પરેડ દરમિયાન પણ મારપીટ કરવામાં આવી હતી. બાળકો અનુસૂચિત જાતિના હોવાથી આ કેસમાં એસસીએસટી ઍક્ટ પણ લગાવાયો હતો.
ભારતી વિદ્યાપીઠ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી અલગથી એફઆઈઆર નોંધ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આમાંથી ત્રણ જણે પાંચમી જુલાઈની બપોરે ત્રણ વાગે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જોકે રાતે 10.30 વાગે તેમની ધરપકડ દેખાડવામાં આવી હતી. આ ચારેય આરોપીને પોલીસ કસ્ટડીમાં બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. પછી સાતમી જુલાઈએ તેમને લેક ટાઉન નજીક એરઆરએ કોલોની લઈ જવાયા હતા, જ્યાં ઘૂંટણિયે બેસાડી જાહેરમાં તેમની પીટાઈ કરવામાં આવી હતી. (પીટીઆઈ)