લાતુર: નીટ-યુજી પેપર લીક કેસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા લાતુરના કોચિંગ સેન્ટરના માલિક અને પેપર લીક કેસના આરોપી શિવરાજ મોટેગાંવકરના પુત્ર પર નીટ-યુજીની પરીક્ષા આપવા પર બે વર્ષ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નીટ-યુજી પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ) મોટેગાંવકરની આ વર્ષે ધરપકડ કરી હતી અને તે હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે. તેના પુત્ર આદિત્ય મોટેગાંવકરનું આ વર્ષે અગાઉ લેવાયેલી પરીક્ષાનું પરિણામ રોકી રાખવામાં આવ્યું છે અને તેને નીટ-યુજી 2017 આપવા માટે અપાત્ર ઘોષિત કરવામાં આવ્યો છે, એમ એનટીએ દ્વારા 19 સપ્ટેમ્બરે જણાવવામાં આવ્યું હતું.
સીબીઆઇના જણાવ્યા અનુસાર શિવરાજ મોટેગાંવકરે પરીક્ષા માટે પ્રશ્ર્નો સૅટ કરતી એનટીએની પેનલ પરના પી. વી. કુલકર્ણીને કેમિસ્ટ્રીના પ્રશ્ર્નો પ્રાપ્ત કરવા માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેનો પુત્ર કુલકર્ણીના કોચિંગ ક્લાસીસમાં જતો હતો, જ્યાં પ્રશ્ર્નો પૂરા પાડવામાં આવ્યા હતા, એવો સીબીઆઇનો આરોપ છે.
21 જૂને નીટ-યુજીની પુન:પરીક્ષા હાથ ધરાયા બાદ એનટીએએ આદિત્ય મોટેગાંવકરનું પરિણામ રોકી રાખવામાં આવ્યું છે અને કથિત ગેરરીતિ માટે તેની પાસેથી ખુલાસો માગ્યો છે. આદિત્યએ પરીક્ષામાં કોઇ પણ ગેરરીતિ આચરી ન હોવાનું જણાવીને આરોપો નકારી કાઢ્યા છે. મને ત્રીજી મેની પરીક્ષામાં અનિયમિતતા માટે નોટિસ આપવામાં આવી છે તો પછી ત્યાર બાદની પુન:પરીક્ષાનું મારું પરિણામ કેમ રોકી રાખવામાં આવ્યું છે, એવો પ્રશ્ર્ન તેણે કર્યો છે.
નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (અંડરગ્રેજ્યુએટ) અથવા નીટ-યુજી એ મેડિકલમાં પ્રવેશ લેવા ઇચ્છુકો માટે એનટીએ દ્વારા હાથ ધરાય છે. 12 મેએ એનટીએ દ્વારા પેપર લીકના આરોપ બાદ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ત્રીજી મેના રોજ યોજવામાં આવેલી નીટ-યુજી રદ કરવામાં આવી હતી. (પીટીઆઇ)