Wed Jun 10 2026

Logo

બહુમતી વિના કર્ણાટકમાં યેદિયુરપ્પાએ સરકાર બનાવી હતી તો વિજય કેમ નહીં, રાજ્યપાલના વિશેષાધિકાર પર સવાલ?

2026-05-07 16:55:52
Author: Mumbai Samachar Team
Article Image

વિજયની પાર્ટી TVK અને કર્ણાટકના 2018ના રાજકીય ડ્રામા વચ્ચેનો વિરોધાભાસ

ચેન્નઈઃ સિનેસ્ક્રિનના સુપરસ્ટાર વિજય હવે રાજનીતિના પોલિટિકલ લીડર બનવા જઈ રહ્યા છે. તમિલગા વેત્રી કડગમ એટલે કે ટીવીકેના સુપ્રીમો વિજયના મુખ્યમંત્રી બનવાના રૂટ પર રાજભવને એક મોટું સ્પીડબ્રેકર મૂકી દીધું છે. કોંગ્રેસના સમર્થનમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે જ્યારે વિજય રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને મળવા માટે પહોંચ્યા તો રાજ્યપાલે શપથ લેવડાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, પરંતુ રાજ્યપાલના વિશેષાધિકારને લઈ ગંભીર સવાલો પણ ઊભા થયા છે.

રાજભવનની મોટી શરત

રાજભવન તરફથી શરત મૂકવામાં આવી હતી કે, પહેલા 118 ધારાસભ્યોનું સમર્થન ધરાવતો પત્ર લઈને આવો. એ પછી આગળની પ્રક્રિયા થશે. આ ઘટનાએ ભારતીય રાજનીતિમાં ફરી એકવાર જૂની અને આકરી ચર્ચાને જન્મ આપી દીધો છે. વર્ષ 2018ની ચૂંટણીને યાદ કરીએ તો કર્ણાકટમાં પણ આ જ પ્રકારની ખેંચતાણ જોવા મળી હતી. એ સમયે રાજભવનની ભૂમિકા હાલની તમિલનાડુની સ્થિતિ કરતા બિલકુલ વિપરીત હતી. મે 2018માં કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ રાજકીય પાર્ટીને બહુમત મળ્યો નહોતો. 224 સભ્યો ધરાવતી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી 104 બેઠક પર સૌથી મોટી પાર્ટી તરીકે રાજકીય સપાટી પર આવી હતી.

રાજ્યપાલના નિર્ણયની ચર્ચા

પણ સરકાર બનાવવા માટે એ મેજિકલ ફીગરને સ્પર્શી શકી નહોતી. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસએ સાથે મળીને ચૂંટણી બાદ તરત જ ગઠબંધન કરી દીધું હતું, જેની પાસે બહુમત માટેનો જે આંક જોઈએ એ હતો. ધારાસભ્યોનું સમર્થન પણ હતું. કોંગ્રેસની 80 અને જેડીએસના 37 બેઠક પર સફળતાએ સૌને ચોંકાવ્યા હતા. 

એ સમયે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા હતા. તેમણે કોંગ્રેસ જેડીએસના ગઠબંધનના બદલે સૌથી મોટી રાજકીય પાર્ટીના નેતાના રૂપમાં બી. એસ. યેદિયુરપ્પાને સરકાર બનાવવાનો ચાન્સ આપ્યો હતો. એ સમયે યેદીયુરપ્પાએ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા હતા. એના પછી બહુમત સાબિત કરવા માટે સમય માગ્યો હતો. 

આ રીતે જેડીએસ સરકાર બની

તમિલનાડુમાં હાલ જે સ્થિતિ છે એ એ સમયની કર્ણાટકમાં સરકાર બનાવવા માટેના ઘાટ કરતા બિલકુલ અલગ છે. એ પછી કર્ણાટકમાં સરકાર બનાવવાનું કોકડું ગુંચવાતા સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને ફ્લોર ટેસ્ટનો સમય આવ્યો તો બહુમતના અભાવમાં યેદિયુરપ્પાએ માત્ર 3 જ દિવસમાં રાજીનામુ આપી દેવું પડ્યું. 

એના પછી કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની. કર્ણાટક અને તમિલનાડુની રાજકીય સ્થિતિ પર બારીકીથી નજર કરીએ તો ઘણો વિરોધાભાસ જોવા મળે છે. રાજ્યપાલની નિષ્પક્ષતા ઉપર પણ સવાલ થાય છે. તમિલનાડુમાં વિજયના કેસમાં રાજ્યપાલે 118 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર માગ્યો છે સામે વિજયે બહુમત સાબિત કરવા માટે સમય માગ્યો છે. 

ઈતિહાસના પાનાઓનો ઉલ્લેખ 

સુપ્રીમ કોર્ટ અગાઉથી સ્પષ્ટ કરી ચૂકી છે કે, બહુમતનો નિર્ણય રાજભવનના બંધ રૂમમાં નહીં પણ વિધાનસભામાં થવો જોઈએ. રાજકીય ઈતિહાસ પર નજર કરીતો 11 માર્ચ 1994ના રોજ સુપ્રીમ કોર્ટના 9 ન્યાયાધીશની બેંચે કલમ 356 અંતર્ગત રાજ્ય સરકારની મનમાની પર મોટી બ્રેક મારી દીધી હતી અને સંઘીય ઢાંચો મજબૂત કર્યો હતો. 

આ નિર્ણયે સ્થાપિત કર્યું કે, સરકારનો બહુમત વિધાનસભામાં જ સાબિત થવો જોઈએ. બંધ બારણે નહીં. હવે તમિલનાડુમાં વિજયની રાજકીય પાર્ટીની સ્થિતિમાં આવું 'રાજભવન ટેસ્ટ' થતો હોય એમ લાગે છે. સ્થિતિ એવી છે કે, વિજયની પાર્ટીએ સફળતા તો જ્વલંત મેળવી પણ સરકાર બનાવવા માટે આંકડો ટૂંકો પડ્યો. 

રાજ્યપાલના વિશેષાધિકાર પર વિવાદ

હવે વિજય અને યેદિયુરપ્પાના કેસની તુલના કરીએ તો એ સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે કે, ગઠબંધન સરકારાના ગઠન સમયે રાજ્યપાલ પાસે રહેલા વિશેષાધિકાર સામાન્ય રીતે વિવાદનું કારણ બની રહે છે. એ સમયે વજુભાઈ વાળાનો નિર્ણય ચર્ચામાં હતો આ વખતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની ભૂમિકા ચર્ચામાં છે. રાજકીય ખેંચતાણ લાંબી કાયદાકીય લડાઈમાં ફેરવાય છે કે રાજભવને મૂકેલી શરત પૂરી કરવામાં થલાપતિને ખરા અર્થમાં 'વિજય' મળે છે એના પર સૌની નજર છે. 

બીજી તરફ વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રીની નિયુક્તિ રાજ્યપાલ બંધારણના આર્ટિકલ 164 અંતર્ગત કરે છે. સૌથી મોટી પાર્ટીને ચાન્સ મળે કે ગઠબંધનને મોકો મળે એવું દરેક રાજકીય પરિબળમાં મુખ્ય હોય છે પણ એના કરતા રાજ્યપાલની ભૂમિકા અને વિવેક ધારા પર, એના નિર્ણય પર નવી સરકારના માળખા તૈયાર થતા હોય છે.