Thu May 07 2026

Logo

સાવકા પુત્રની ગળું દબાવીને હત્યા કરવાના કેસમાં પિતાનો નિર્દોષ છુટકારો

2026-05-07 17:45:57
Author: Yogesh C. Patel
Article Image

થાણે: થાણે નજીક ઘોડબંદર રોડ પર ચાર વર્ષના સાવકા પુત્રની ગળું દબાવીને હત્યા કરવાના કેસમાં સેશન્સ કોર્ટે પિતાને નિર્દોષ છોડતાં એવી નોંધ કરી હતી કે ફરિયાદ પક્ષ સંજોગોની સાંકળ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે.સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે મંગળવારે આપેલા ચુકાદામાં ફરિયાદી પક્ષના સાક્ષીઓનાં નિવેદનમાં વિસંગતિ હોવાનું પણ નિરીક્ષણ કર્યું હતું. કોર્ટે 30 જુલાઈ, 2024થી ધરપકડ બાદ કસ્ટડીમાં રહેલા મોહમ્મદ દિલશાદ મોહમ્મદ ઈમરાન (25)ને અન્ય કોઈ કેસમાં આવશ્યક ન હોય તો છોડી મૂકવાના નિર્દેશ આપ્યા હતા.

ફરિયાદ પક્ષ અનુસાર ઘોડબંદર રોડ પર માનપાડા પરિસરમાં આવેલા ફ્લૅટમાં ઈમરાને 28 જુલાઈ, 2024ના રોજ તેની પત્નીના અગાઉના સંબંધોથી જન્મેલા પુત્રની ગળું દબાવી કથિત હત્યા કરી હતી. બાળકની ઓળખને મુદ્દે થયેલા વિવાદમાં આ ઘટના બની હોવાનું ફરિયાદ પક્ષે કહ્યું હતું.ઈમરાન બેભાન બાળકને હૉસ્પિટલમાં લઈ ગયો હતો અને ચક્કર આવીને પડી જવાથી તે જખમી થયો હોવાનો દાવો કર્યો હતો. પરિણામે પોલીસે શરૂઆતમાં એડીઆર નોંધ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમના અહેવાલને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષનો કેસ સાંયોગિક પુરાવા પર આધારિત છે, પરંતુ બાળક પર હુમલો કરતાં આરોપીને કોઈએ પ્રત્યક્ષ જોયો નથી.સાંયોગિક પુરાવાને આધારે આરોપીને કસૂરવાર ઠેરવવા સંજોગોની સાંકળ રચતી દરેકેદરેક વાસ્તવિકતાઓ સિદ્ધ કરવાનું ફરિયાદ પક્ષ માટે જરૂરી છે, એવું કોર્ટે નોંધ્યું હતું.પોસ્ટમોર્ટમમાં બાળકના શરીર પર ઇજાનાં નિશાન મળી આવ્યાં હતાં, પરંતુ બધી ઇજા તાજી હોવાનું સિદ્ધ કરાયું નથી. આનાથી વિપરીત ડૉક્ટરે અમુક ઇજાઓ જૂની હોવાનો અભિપ્રાય આપ્યો હતો, એવું કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ)

વધુ જુઓ...