Wed Aug 26 2026

Logo

કિશોરવયે પ્રેમમાં કારમો અંજામ: છરીના ઘા ઝીંકી સગીરની હત્યા

2026-05-07 18:21:00
Author: Yogesh C. Patel
કિશોરવયે પ્રેમમાં કારમો અંજામ: છરીના ઘા ઝીંકી સગીરની હત્યા

થાણે: નાગપુર શહેરમાં પ્રણય ત્રિકોણમાં 17 વર્ષના સગીરે જીવ ગુમાવવો પડ્યો હતો. બે સગીરે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરતાં પોલીસે એકને તાબામાં લીધો હતો, જ્યારે ફરાર બીજાની શોધ હાથ ધરી હતી.

કલમના પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતે વાજપેયી નગર પરિસરમાં બની હતી. મૃતકની ઓળખ ઝોહરાન મુસ્તફા શેખ (17) તરીકે થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ મજૂરી કરતા ઝોહરાન અને 17 વર્ષની છોકરી વચ્ચે પ્રેમપ્રકરણ ચાલતું હતું. એ જ છોકરી સાથે આરોપીને પણ પ્રેમ હોવાથી બન્ને સગીર વચ્ચે વિવાદ ચાલતો હતો. આરોપીએ ઝોહરાનને છોકરીથી દૂર રહેવાની ચેતવણી પણ આપી હતી, પરંતુ ઝોહરાને ચેતવણીને અવગણી છોકરી સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા.

કહેવાય છે કે વાતચીતને બહાને આરોપીએ મંગળવારની રાતે 11 વાગ્યાની આસપાસ ઝોહરાનને વાજપેયી નગરમાં બોલાવ્યો હતો. ઝોહરાન ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે આરોપી તેના મિત્ર સાથે આવ્યો હતો. બન્નેએ ઝોહરાનને ધમકાવતાં તેમની વચ્ચે મારામારી થઈ હતી. ગુસ્સામાં મુખ્ય આરોપીએ ઝોહરાન પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ગરદન અને છાતી પર ગંભીર ઇજાને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

ઘટના બાદ બન્ને આરોપી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ એક આરોપીને તાબામાં લેવાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)