Sat Aug 29 2026

Logo

ભક્તો માટે ખુશખબર: પંઢરપુર-તિરુપતિ સ્પેશિયલ ટ્રેન હવે કાયમી ધોરણે દોડશે, જાણો સમય અને રૂટ

2026-05-07 18:05:26
Author: Mumbai Samachar Team
ભક્તો માટે ખુશખબર: પંઢરપુર-તિરુપતિ સ્પેશિયલ ટ્રેન હવે કાયમી ધોરણે દોડશે, જાણો સમય અને રૂટ

સોલાપુરઃ ભારતીય રેલવેએ પંઢરપુરમાં વિઠ્ઠલ દર્શન માટે આવતા અને તિરુપતિ બાલાજીના દર્શન માટે જતા લાખો ભક્તો માટે એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટીતંત્રે હવે પંઢરપુર-તિરુપતિ સાપ્તાહિક વિશેષ ટ્રેન કાયમી (નિયમિત) ધોરણે ચલાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા અને આંધ્ર પ્રદેશ એમ ચાર રાજ્યોના ભક્તોને મોટી રાહત મળી છે.

ટ્રેન નં. 14437 તિરુપતિ-પંઢરપુર 26 મે 2026 થી નિયમિત દોડશે. તે દર શનિવારે સાંજે 4 વાગ્યે તિરુપતિથી ઉપડશે અને બીજા દિવસે (રવિવારે) સાંજે 7 વાગ્યે પંઢરપુર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 14438 પંઢરપુર-તિરુપતિ 17 મે 2026 થી નિયમિત દોડશે. તે દર રવિવારે રાત્રે 8 વાગ્યે પંઢરપુરથી ઉપડશે અને બીજા દિવસે (સોમવારે) રાત્રે 11:30 વાગ્યે તિરુપતિ પહોંચશે.

આ ટ્રેનને મહારાષ્ટ્રમાં મોડનિમ્બ, કુર્દુવાડી, બાર્શી ટાઉન, ધારાશિવ, લાતુર, લાતુર રોડ, ઉદગીર જયારે કર્ણાટકમાં બિદર તેમજ તેલંગાણામાં ઝહીરાબાદ, વિકરાબાદ, લિંગમપલ્લી, બેગમપેઠ, સિકંદરાબાદ, કાચીગુડા, શાદનગર, મહબૂબનગર, ગડવાલ તેમજ  આંધ્ર પ્રદેશમાં કુર્નુલ સીટી,ધોન, ગુંટ્ટી, તડ઼ીપત્રી, કડપ્પા અને રેનિગુંટા ખાતે સ્ટોપ હોવાથી પ્રવાસ દરમિયાન ચાર રાજ્યોના વિવિધ મહત્વના શહેરોને જોડશે.

પંઢરપુરનું વિઠ્ઠલ મંદિર અને તિરુપતિનું શ્રી વેંકટેશ્વર મંદિર દક્ષિણ ભારતના બે સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો છે. આ સીધી રેલ સુવિધા ભક્તોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે. 

ખાસ કરીને લાતુર, ધારાશિવ અને બાર્શી વિસ્તારોના મુસાફરોને હવે દક્ષિણ ભારતમાં મુસાફરી કરવા માટે નિયમિત ટ્રેનની સુવિધા મળશે. અત્યાર સુધી, ભક્તોને પંઢરપુરથી ખાનગી ટ્રાવેલ દ્વારા અથવા સોલાપુર જઈને ટ્રેન પકડીને તિરુપતિ જવું પડતું હતું. હવે, સીધી ટ્રેન સેવા શરૂ થવાથી, સમય અને પૈસાની બચત થશે સાથે ધાર્મિક પર્યટનને પણ વેગ મળશે. રેલ્વે પ્રશાસને મુસાફરોને આ નિયમિત સેવાનો લાભ લેવા અપીલ કરી છે.