Tue Jan 27 2026

Logo

White Logo

મહારાષ્ટ્ર મેયર આરક્ષણ 2026 મુંબઈને મળશે મહિલા મેયર, જાણો પુણે, થાણે અને નાશિકના નવા સમીકરણો...

5 days ago
Author: Darshana Visaria
Video

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક મોટો વળાંક આવ્યો છે અને આ વળાંકને કારણે જ રાજ્યમાં રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો છે. આજે મુંબઈના મંત્રાલય ખાતે રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે મેયર પદના આરક્ષણના ડ્રો જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ દેશની જ નહીં પણ એશિયાની સૌથી ધનવાન પાલિકા ગણાતી મુંબઈ મહાનગરપાલિકામાં મેયરની ખુરશી પર કોણ બિરાજશે એ વિશે ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે. 

મંત્રાલય ખાતે યોજાયેલી આ લોટરી પ્રક્રિયામાં રાજ્યની તમામ 29 મહાનગરપાલિકાઓના મેયર પદ માટેની શ્રેણીઓ નક્કી કરવામાં આવી હતી. આ લોટરીમાં સૌપ્રથમ અનુસૂચિત જનજાતિ (ST), ત્યારબાદ અનુસૂચિત જાતિ (SC), પછી અન્ય પછાત વર્ગ (OBC) અને છેલ્લે સામાન્ય વર્ગ (Open) માટે ડ્રો કરવામાં આવ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકામાં મેયર પદ સામાન્ય વર્ગની મહિલાઓ (General Female) માટે અનામત રાખવામાં આવ્યું છે, જેને કારણે ભાજપ માટે મેયરપદની દાવેદારીનો રસ્તો ખુલી ગયો છે કારણ કે તેમની પાસે આ કેટેગરીમાં અનેક અનુભવી મહિલા નગરસેવિકાઓ છે. જોકે, શિવસેના (UBT)એ આ લોટરી પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો હતો અને લોટરીનો બહિષ્કાર કર્યો છે. તેમને આશા હતી કે જો અનુસૂચિત જનજાતિ કે પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું હોત તો વિપક્ષ પાસે વધુ સારી તક હોત.

સત્તાના સમીકરણોની વાત કરીએ તો મુંબઈ મહાનગર પાલિકાની 227 બેઠકોમાંથી ભાજપે 89 અને શિંદે જૂથની શિવસેનાએ 29 બેઠકો પર જિત હાંસિલ કરી છે અને કુલ 118 બેઠકો સાથે મહાયુતિ પાસે સ્પષ્ટ બહુમત છે.

વાત કરીએ મહારાષ્ટ્રના અન્ય રાજ્યનમાં આરક્ષણની પદ્ધતિથી મેયર ચૂંટવાની પ્રક્રિયાની પરિસ્થિતિની તો રાજ્યના કુલ આઠ શહેરોમાં મેયર પદ ઓબીસી માટે અનામત છે, જેમાં જળગાંવ, ચંદ્રપુર, અહિલ્યાનગર અને અકોલામાં મહિલા ઓબીસી મેયર બનશે. જ્યારે કોલ્હાપુર, પનવેલ અને ઇચલકરંજીમાં પણ ઓબીસી મેયર આવશે.

વાત કરીએ સામાન્ય વર્ગ (Open)ની તો પુણે, પિંપરી-ચિંચવડ, નાશિક, સોલાપુર અને સાંગલી જેવી મહત્વની મહાનગરપાલિકાઓમાં મેયર પદ સામાન્ય વર્ગ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ તમામ જગ્યાઓ પર ભાજપ સત્તામાં હોવાથી પક્ષની અંદર જ મેયર પદ માટે ભારે ખેંચતાણ જોવા મળી શકે છે. SC/ST અનામતની વાત કરીએ તો થાણે મહાનગરપાલિકામાં મેયર પદ અનુસૂચિત જાતિ (SC) માટે, જ્યારે કલ્યાણ-ડોંબિવલીમાં અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવ્યું છે.

મુંબઈમાં આશરે 25 વર્ષ બાદ શિવસેના (UBT)એ કરારી હારનો સ્વાદ ચાખ્યો છે એ આ લોટરી બાદ વધુ સ્પષ્ટ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેએ આ પ્રક્રિયાને લોકશાહીની હત્યા ગણાવી છે, જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપના નેતાઓએ આ જીતને વિકાસની જીત ગણાવી છે. હવે આગામી અઠવાડિયે સત્તાવાર રીતે મેયરની ચૂંટણી યોજાશે, જેમાં મુંબઈને પ્રથમ નાગરિક તરીકે એક મહિલા મેયર મળશે.

કઈ પાલિકામાં કોણ હશે મેયર? 
 

1 છત્રપતિ સંભાજી નગર સર્વસાધારણ (મહિલા)
2 નવી મુંબઈ સર્વસાધારણ
3 વસઈ-વિરાર સર્વસાધારણ
4 કલ્યાણ-ડોંબિવલી અનુસૂચિત જાતિ
5 કોલ્હાપુર ઓબીસી
6 નાગપુર સર્વસાધારણ
7 બીએમસી સર્વસાધારણ
8 સોલાપુર સર્વસાધારણ
9 અમરાવતી સર્વસાધારણ (મહિલા)
10 અકોલા (ઓબીસી મહિલા)
11 નાશિક સર્વસાધારણ
12 પિંપરી-ચિંચવડ સર્વસાધારણ
13 પુણે સર્વસાધારણ
14 ઉલ્હાસનગર ઓબીસી
15 થાણે અનુસૂચિત જાતિ
16 ચંદ્રપુર ઓબીસી મહિલા
17 પરભણી સર્વસાધારણ
18 લાતુર અનુસૂચિત જાતિ (મહિલા)
19 ભિવંડી-નિઝામપુર સર્વસાધારણ
20 માલેગાવ સર્વસાધારણ
21 પનવેલ ઓબીસી
22 મીરા-ભાયંદર સર્વસાધારણ
23 નાંદેડ-વાઘાળા સર્વસાધારણ
24 સાંગલી-મિરજ-કુપવાડ સર્વસાધારણ
25 જળગાવ ઓબીસી (મહિલા)
26 અહિલ્યાનગર ઓબીસી (મહિલા)
27 ધુળે સર્વસાધારણ (મહિલા)
28 જાલના અનુસૂચિત જાતિ (મહિલા)
29 ઈચલકરંજી ઓબીસી