Tue Jun 30 2026

Logo

કચ્છના ખેડૂતો માટે ખુશખબર: આગામી 3 દિવસમાં વરસી શકે છે અનરાધાર વરસાદ, તંત્ર એલર્ટ

2026-06-30 17:18:24
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ મોડે-મોડે સક્રિય થયેલું ચોમાસું હવે દક્ષિણ ગુજરાતથી આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના આકાશમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે ભારથી અતિભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે. દેશના પશ્ચિમ પ્રાંતમાં બે-બે લો પ્રેશર એક્ટિવ થઈ જતા હવે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે એવી પૂરી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ કારણે  આગામી 72 કલાક દરમિયાન કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

કચ્છમાં ક્યારે પડશે વરસાદ

હવામાન વિભાગના એક રિપોર્ટ અનુસાર ગુજરાત પર એક્ટિવ થયેલી સિસ્ટમ અને લૉ પ્રેશર હાલ પૂર્વ ગુજરાત પર કેન્દ્રીત છે, જે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ એટલે કે કચ્છ-રાજસ્થાન તરફ આગળ વધી રહી છે.કચ્છમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. વાદળછાયા વાતવારણ વચ્ચે ગમે ત્યારે વરસાદ પડે એવી સ્થિતિ અનુભવાઈ રહી છે. ભારે પવનના પ્રવાહ સાથે અરબી સમુદ્ર પરથી મોટી માત્રામાં ભેજ કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ લાવે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. 

એક સાથે બે-બે સિસ્ટમના ખેંચાણને કારણે કચ્છ જિલ્લામાં 1થી 3 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. માંડવી, મુંદરા, ગાંધીધામ તથા કંડલા સુધીના વિશાળ વિસ્તારમાં 40થી 50 કિમીની ગતિથી પવન ફૂંકાતા ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ દરિયામાં કરંટ આવે અને દરિયો તોફાની થવાના એંધાણ છે. 

ખેડૂતોને કૃષિ વિભાગની અપીલ

કચ્છ જિલ્લાના આંતરિક વિસ્તારો એવા ભૂજ, અંજાર, ભચાઉ અને રાપરમાં ગાજવીજ સાથે લાંબા સમય સુધી વરસાદ પડે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને રણ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાને લેતા આ વિસ્તારમાં ટૂંકા સમયમાં વધારે પાણી ભરાઈ જાય છે. આ કારણે નીચાણવાળા વિસ્તારમાં થોડા અમથા વરસાદથી સ્થિતિ જળબંબાકાર થઈ શકે છે. કચ્છમાં મગફળી, કપાસ અને બાજરી જેવા ખરીફ પાકોનું વાવેતર પ્રારંભિક તબક્કામાં છે એવામાં જો વરસાદ પડશે તો આકાશમાંથી વરસતું પાણી અમૃત સમાન બની રહેશે.

સતત વરસાદ પડશે તો ખેતરોમાં પાક ધોવાણ થવાનો ભય પણ રહેલો છે. રાજ્યના કૃષિ વિભાગ તરફથી ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. હવામાન ખાતાના વિજ્ઞાનીઓ જણાવે છે કે, સામાન્ય રીતે ચોમાસાને ગતિશીલ રાખવા બે પ્રક્રિયા જરૂરી હોય છે. જેમાં સોમાલી જેટ અરબી સમુદ્રમાંથી ભેજરૂપી ઇંધણ જેવું કામ કરે છે, જ્યારે બંગાળની ખાડીનું લો-પ્રેશર તે ભેજને દેશના આંતરિક ભાગો તરફ ખેંચી લાવે છે. 

કચ્છના ખેડૂતોને કેવી રીતે ફાયદો?

એક સાથે બે પ્રક્રિયા સાથે થવાના કારણે કચ્છને આ સિસ્ટમનો લાભ સીધી રીતે મળી શકે એમ છે. સમગ્ર જિલ્લામાં વરસાદ થતા ખેડૂતોને મોટી રાહત થશે. આ પોઝિટિવ ફીડબેક લૂપને કારણે વરસાદ લાંબા સમય સુધી વરસશે. વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ એમાં પૂર્ણવિરામ લાગે એવી શક્યતાઓ નહીવત છે.  

હવામાન ખાતાએ જિલ્લામાં ભયજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તારીખ 1 અને 2 જુલાઈએ ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. કેટલીક જગ્યાએ  200 મિલીમીટર (8 ઇંચ)થી વધુ વરસાદ વરસી શકે છે. સાવધાની એ જ સુરક્ષાને પ્રાધાન્ય આપી નીચાણવાળા વિસ્તાર, કોઝ-વે, નદી-નાળાને પાર ન કરવા માટે તંત્ર તરફથી કડક સૂચના આપવામાં આવી છે. 

ખાસ કરીને બન્ની અને ખાવડા જેવા રણ વિસ્તારોમાં અચાનક પૂર જેવી સ્થિતિ ઊભી થાય તો ત્યાં વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે. જૂન માસની આકરી ગરમી અને અસહ્ય બફારા બાદ આખરે મેઘરાજાના મંડાણ થવાના એંધાણ છે.

(ઉત્સવ વૈદ્ય)