લંડનઃ ઇંગ્લૅન્ડના હેડ-કોચ બ્રેન્ડન મૅક્લમે મંગળવારે પત્રકારોને કહ્યું હતું કે `મેં બેન સ્ટૉક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ જવાનો જે એચિંતો નિર્ણય લીધો એ પાછો ખેંચી લેવા ખૂબ સમજાવ્યો હતો, પણ તે માન્યો જ નહોતો. તેણે મને કહ્યું કે તેણે રિટાયર થઈ જવાનો મક્કમ નિર્ણય લઈ લીધો છે.'
ન્યૂ ઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને સોમવારે ત્રીજી ટેસ્ટમાં 160 રનથી હરાવીને સિરીઝ 1-2થી જીતી લીધી હતી. જોકે બેન સ્ટૉક્સે નિવૃત્તિનો નિર્ણય રવિવારે જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા.
ન્યૂ ઝીલૅન્ડના ક્રિકેટ-લેજન્ડ મૅક્લમે જર્નલિસ્ટોને એવું પણ કહ્યું હતું કે `સ્ટૉક્સી (Ben Stokes) સાથે મેં સૌથી પહેલાં તેના નિર્ણય સંબંધમાં ચર્ચા કરી ત્યારે મને તેના ચહેરા પર એક પ્રકારની નિરાંત જણાઈ હતી. તેણે મન મક્કમ કરી જ લીધું હતું. જોકે ચાર વર્ષ સ્ટૉક્સી સાથે કામ કરવા મળ્યું એ બદલ ગૌરવ અનુભવું છું.'
બેન સ્ટૉક્સને `લીડર ઑફ મેન' તરીકે ઓળખાવીને મૅક્લમે (McCullum) કૅપ્ટન તથા ખેલાડી તરીકે ઇંગ્લૅન્ડને આપેલા યોગદાન બદલ તેની ખૂબ પ્રશંસા કરી હતી. `સ્ટૉક્સી ખેલાડીઓનો ખરો લીડર હતો. મેદાન હોય કે ડ્રેસિંગ રૂમ કે પછી ટીમ-હૉટેલ, લોકો (ખેલાડીઓ) તેને ફૉલો કરતા હતા. ક્રિકેટમાં સાતત્યતા લાવવાની ખરી સમજ તેનામાં હતી. દરેક પ્રકારની સ્થિતિ વિશે તેને બહુ સારી સમજ હતી. અમે સ્ટૉક્સીની હાજરી મિસ કરીશું. કોઈ કંઈ કાયમ નથી રમી શકવાનું, પણ સ્ટૉક્સીને તેના ચાહકો તરફથી શાનદાર ફેરવેલ તો મળવું જ જોઈએ એવું મારું માનવું છે. બીજી રીતે કહું તો તેના ગુડબાય કરવા માટેનો મોકો તેના અસંખ્ય ફૅન્સને મળવો જોઈએ.'