ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસે 6 લશ્કરી અધિકારીઓ અને 2 મોટા નેતાઓને પદ પરથી હટાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જાગી
બીજિંગ: ચીનમાંથી અત્યારે એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ચીનમાં કોઈ મોટી ઉલટફેર થવાની હોય તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લાગી રહ્યું છે, કારણ કે ચીનની સરકારે એક સાથે પોતાની સેનાના અનેક અધિકારીઓ અને નેતાઓને પોતાના પદ પરથી હટાવી દીધી છે. શુક્રવારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચીનની સરકારી મીડિયા એજન્સીએ જાણકારી આપી છે. આખરે શા માટે ચીન દ્વારા પોતાના સૈન્ય અધિકારીઓ અને નેતાઓને પદ પરથી હટાવી દીધા? આ એક સવાલ બની ગયો છે.
બરખાસ્ત માટે કોઈ કારણ કેમ ના આપવામાં આવ્યું?
આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ યાદીમાં ભૂતપૂર્વ નાણાકીય નિયમનકાર પ્રમુખ લી યુન્ઝે અને પોલિટબ્યુરો સભ્ય મા ઝિંગરુઈના નામનો પણ સમાવેશ થાય છે. જેમના પર થોડા સમય પહેલા જ તપાસ કરવામાં આવી હતી, પરંતુ ચોંકાવનારી અને આશ્ચર્યની વાત એ છે કે, આ કાર્યવાહી મામલે હજી સુધી ચીન દ્વારા સત્તાવાર રીતે કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. આખરે શા માટે ચીને આવી કાર્યવાહી કરી? આ સૈન્ય અધિકારીઓ અને નેતાઓને કયા ગુનામાં પદ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસે છ મિલિટરી કમાન્ડોની સાથે બે મોટા નેતાને પદ પરથી ઘરભેગા કરી નાખ્યા છે.
નેશનલ પીપલ્સ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
નેશનલ પીપલ્સ કોંગ્રેસ ચીનની સૌથી મોટી કાયદો બનાવી સંસ્થા છે. જેથી આ સંસ્થા દ્વારા જે નિર્ણય કે ફેરફાર કરવામાં આવે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ યાદીમાં ભૂતપૂર્વ નાણાકીય નિયમનકાર સાથે પોલિત બ્યૂરો સભ્ય માં શિંગરૂઈનું નામ પણ સામેલ છે. આ જાણકારી એક નોટિસ દ્વારા આપવામાં આવી છે. જોકે, આ નોટિસમાં આ લોકોને કેમ પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યાં તેની જાણકારી આપવામાં આવી નથી. એટલું જ નહીં, પરંતુ ચીનના સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ આ મામલે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
આશંકા આવી છે કે, ચીનના રાષ્ટ્રપતિ દ્વારા દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હોઈ શકે છે. આ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ગત વર્ષે જ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મોટા અધિકારીઓ અને ટોપના જનરલો સામે તપાસ કરવામાં આવી હતી. ગત વર્ષે પણ કેટલાક લોકોને પદ પરથી હટાવી દેવામાં આવ્યાં હતાં. પરંતુ આ કાર્યવાહી પણ તેના ભાગરૂપે જ કરવામાં આવી છે કે કેમ? તેવું ચોક્કસ જાણવા મળી નથી.
કોને કોને પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યાં?
જનરલ ઝુ ઝુઇકિયાંગ હટાવવામાં આવેલા લશ્કરી અધિકારીઓની યાદીમાં ટોચ પર છે. તેઓ સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઇક્વિપમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના વડા હતા. જનરલ લી ફેંગબિયાઓને પણ હટાવવામાં આવ્યા છે, જેમણે PLA ના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ માટે પોલિટિકલ કમિશનર તરીકે સેવા આપી હતી.
જનરલ ગુઓ પુક્સિયાઓ, જે અગાઉ PLA એરફોર્સ માટે પોલિટિકલ કમિશનર હતા, તેમને બરખાસ્ત કરવામાં આવ્યા છે. વાંગ કાંગપિંગ (ઇસ્ટર્ન થિયેટર કમાન્ડ), ઝાંગ મિંગહુઆ (સાયબરસ્પેસ ફોર્સ) અને યિન હોંગશિંગ (આર્મી)ને પણ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. કુલ છ લશ્કરી અધિકારીઓને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે.