Tue Jun 30 2026

Logo

GSRTCના કર્મચારીઓને રાજ્ય સરકારની ભેટ! મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, એરિયર્સ પણ ચૂકવાશે

2026-06-30 17:15:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ:  ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક મોટી ભેટ આપી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એસ.ટી. નિગમના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકાનો વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ નિર્ણયના અમલથી કર્મચારીઓને હવે અત્યાર સુધીના 55 ટકાને બદલે 58 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી એસ.ટી.ના હજારો કર્મચારીઓને રૂ. 24 કરોડથી વધુનો સીધો આર્થિક ફાયદો થશે.

નાયબ ગૃહ રાજ્ય પ્રધાનની જાહેરાત બાદ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, સચિવાલય (ગાંધીનગર) દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. આ ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નાણાં વિભાગના અગાઉના ઠરાવને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રવર્તમાન 55 ટકા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરાયો છે. આ વધારો 1 જુલાઈ 2025ની અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58 ટકા થાય છે.

સત્તાવાર પરિપત્રમાં જણાવ્યા અનુસાર, નિગમના કર્મચારીઓને આ વધેલા 3% મોંઘવારી ભથ્થાની ચૂકવણી જુલાઈ-2026 ના પગારથી મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાના વધારાના એરિયર્સની  ચૂકવણી પણ ઓગસ્ટ-2026 થી કરવાની રહેશે. આ અંગેની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ પર પણ કરી હતી.