Tue Jun 30 2026

Logo

શ્રેયસ તલપડેની મુશ્કેલીના સમયે કોણ આવ્યું હતું મદદે? જાણો રસપ્રદ કિસ્સો

2026-06-30 16:57:33
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડનાં ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન હવે પોતાની ફિલ્મોથી વધુ પોતાના વ્લોગને લઈને લાઈમલાઈટમાં રહે છે. ફરાહ ખાન પોતાના કૂક દિલીપ સાથે કોઈને કોઈ સેલિબ્રિટીઝના ઘરની ઝલક પણ બતાવે છે. આ સાથે જ તે આ સેલિબ્રિટીઝના ઘરે જઈને સ્વાદિષ્ટ રેસિપીઝ અને કિસ્સાઓ શેર કરે છે. હાલમાં જ ફરાહ ખાન પોતાના કુક દિલીપ સાથે જાણીતી ફિલ્મ 'ગોલમાલ' ફેમના એક્ટર શ્રેયસ તલપડેના ઘરે પહોંચી હતી. શ્રેયસ સાથે તેણે જૂના કિસ્સાઓ વિશે ચર્ચા કરી હતી. 

શ્રેયસ તલપડેએ 'ઓમ શાંતિ ઓમ' વખતે બનેલો એક કિસ્સો યાદ કર્યો હતો. શ્રેયસે કહ્યું કે 2007માં તેને હોમલોન મળી રહી નહોતી, જેથી તે ખૂબ ચિંતામાં આવી ગયો હતો. આ ઘર તેનું માયાનગરી મુંબઈનું પ્રથમ ઘર હતું. આ ઘર મેળવવામાં ફરાહ ખાન અને શાહરુખ ખાને શ્રેયસની ખૂબ મદદ કરી હતી. 

'ઓમ શાંતિ ઓમ'ના કારણે ખરીદ્યું ઘર
શ્રેયસના ઘરેથી જતી વખતે ફરાહ ખાન તેને ઘણી ભેટ આપે છે, ત્યારે આ ભેટ જોઈને શ્રેયસ, 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મના દિવસો યાદ કરે છે અને કહે છે કે આ ફિલ્મના કારણે તેણે પોતાનું પહેલું ઘર લીધું હતું. તેમને આ ઘર માટે કોઈ બેંક લોન આપવા તૈયાર નહોતી, એટલે ફરાહ ખાનના એક કોલ અને શાહરુખ ખાનની એક સાઈનએ તેમને તેમનું પહેલું ઘર લેવામાં ખૂબ મદદ કરી હતી. 

ફરાહ-શાહરુખ પાસેથી મદદ મળી 
આ કિસ્સાને યાદ કરતા શ્રેયસે કહ્યું કે- 'હું બેંકના ચક્કર મારી રહ્યો હતો, પણ હોમલોન મળી રહી નહોતી. લોન માટે એક દિવસ બેંકમાં ગયો, જ્યાં એક મહિલાએ મને પૂછ્યું કે તમે કઈ ફિલ્મ કરી રહ્યા છો?, ત્યારે મેં કહ્યું કે, 'ઓમ શાંતિ ઓમ'. તેણે પૂછ્યું એક્ટર કોણ છે? મેં કહ્યું, શાહરુખ ખાન છે. પછી દિગ્દર્શક વિશે પૂછ્યું તો મેં કહ્યું કે ફરાહ ખાન નિર્દેશક છે. ત્યારે આગળ મહિલાએ પૂછ્યું કે, શું તમે મને તેમનાથી એક લેટર અપાવી શકો છો? ત્યારે મેં ફરાહને ફોન કર્યો અને તેણે અને શાહરુખ ખાને મને લેટર અપાવ્યો અને મારી લોન મંજૂર થઈ ગઈ હતી.'