Tue Jun 30 2026

Logo

ગુજરાત સરકાર ખેડૂતો સામે ઝૂકી, ચર્ચા માટે બોલાવ્યા, ખેડૂતોએ મૂકી કઈ છ માંગ ?

2026-06-30 11:47:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ વીજપોલ માટે ખેડૂતોને મળતા વળતર અને સ્પષ્ટ નીતિના મુદ્દે મોરબીના જેતપરમાં આંદોલન કરી રહેલા ખેડૂતો સામે સરકાર ઝૂકી છે. ચર્ચા માટે બોલાવ્યા હતા. જોકે ખેડૂતોએ છ માંગ રાખી હતી. 

ખેડૂતોએ સરકાર સમક્ષ મુકેલી 6 માંગણીઓ

1. કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગ ની તા. 14/06/2024 ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી કરી છે તેના 200% નો ઉલ્લેખ છે. પરંતુ રાજસ્થાન સરકારે હાઇ વોલ્ટેજ લાઇન હોવાથી ઇલેક્ટ્રોમેગ્રેટીક ફિલ્ડના વધારાના 200% એટલે કુલ 400% આપ્યા છે. તો અમને પણ 400% આપવામાં આવે, તે જંત્રીના નહિં, બજાર કિંમતના આપવામાં આવે.

2. ROW માટે 21/03/2025 ની ગાઇડલાઇનમાં MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી થાય તેના 30%, 45% અને 60% આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્રેટીક ફિલ્ડ થાંભલાના ક્ષેત્રફળમાં અને તારના ક્ષેત્રફળમાં એટલે કે બન્નેમાં હોય છે. માટે ROW વિસ્તારમાં અમને 200% વધારે એટલે કે કુલ 230%, 245% અને 260% આપવામાં આવે.

3. જમીનની બજાર કિંમત નક્કી કરવા D.L.V.C કમીટી નહીં પરંતુ 21/03/2025 ની ગાઇડલાઇન પ્રમાણે MRC કમીટીની રચના કરવાની રહેશે.

4. કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગ ની તા. 14/06/2024 ની ગાઇડલાઇનના પોઇન્ટ નંબર (9) પ્રમાણે સંપૂર્ણ વળતર (ટાવર વિસ્તારનું, ROW વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક હપ્તામાં અને એ પણ એડવાન્સમાં આપવામાં આવે.

5. TSP કંપની ટેલીગ્રાફ એકટ 1885 ની કલમ 10(d) મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતરનો હુકમ ટેલીગ્રાફ ઓથોરીટી કંપની ખેડૂતોને આપે. અને આ હુકમ કલેક્ટર કચેરીમાં જમા કરાવે પછી જ કલેક્ટર કલમ 16(1) હેઠળની પ્રોસીડીંગ ચાલુ કરે.

6. કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગની ગાઇડલાઇન 14/06/2024 અને 21/03/2025 માં સુધારો કરીને, બાકીનું બધું કેન્દ્ર સરકારની ગાઇડલાઇન 14/06/24 & 21/03/2025 માં છે તે પ્રમાણે જ રાખીને ગુજરાત ઉર્જા વિભાગ ખેડૂત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે તેવી આશા છે.

સરકારે ચર્ચા માટે બોલાવ્યા

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને સરકાર સાથે મંત્રણામાં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે કલેક્ટર મારફતે ખેડૂતોને સંદેશ પાઠવ્યો છે કે તેમની માંગણીઓ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવા સરકાર તૈયાર છે. સરકારે ઉચ્ચસ્તરીય સમિતિ સાથે ખેડૂતોને સંવાદ માટે આમંત્રણ આપતાં જણાવ્યું છે કે ચર્ચા અને પરસ્પર સમજણના આધારે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

જોકે જેતપર ગામના ખેડૂતોએ સરકાર દ્વારા આંદોલનકારી ખેડૂતો સાથે વાટાઘાટો કરવા માટે મોકલાયેલ આમંત્રણનો સત્તાવાર રીતે અસ્વીકાર કર્યો હતો ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું કે આમંત્રણ પત્રમાં તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે તેમણે આ નિર્ણય લીધો હતો. ખેડૂતોની પ્રાથમિક અને અડગ માંગ છે કે સરકાર તેમની છ મુખ્ય માંગણીઓ પર લેખિતમાં સૈદ્ધાંતિક મંજૂરી દર્શાવે અથવા ટેકનિકલ અભ્યાસ બાદ તેના પર લેખિત ખાતરી પૂરી પાડે.