Mon Jun 29 2026

Logo

અમેરિકા ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પનું નિવેદન, કહ્યું  ઈરાને બેઠક માટેની વિનંતી કરી

Washington dc   2026-06-29 20:27:54
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને બેઠક માટેની વિનંતી કરી છે અને અમેરિકા સાથે વાત કરવા માંગે છે. આ બેઠક મંગળવારે કતારની રાજધાની દોહામાં યોજાવાની છે.

દોહામાં બેઠકમાં યોજાશે 

વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે અમેરિકાના ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર દોહામાં બેઠકમાં હાજરી આપશે. તેમાં વધુમાં જણાવાયું હતું કે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો સાથે ટેકનિકલ સ્તરની ચર્ચાઓ પણ કરવામાં આવશે. વ્હાઇટ હાઉસે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ પ્રક્રિયા આગળ વધે તેવું ઇચ્છે છે.

અમેરિકા અને ઈરાન  લશ્કરી કાર્યવાહી રોકવા સંમત

અમેરિકન અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે અમેરિકા અને ઈરાન મંગળવારે યોજાનારી બેઠક પહેલા લશ્કરી કાર્યવાહી રોકવા સંમત થયા છે. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે બધી લશ્કરી પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.  તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ટેકનિકલ સ્તરની વાટાઘાટો ચાલુ રહે ત્યાં સુધી જહાજોની અવરજવર અવરોધ વિના ચાલુ રહેશે.

હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત વિવાદોના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત

આ બેઠક શરૂઆતમાં  ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વ્યાપક વાટાઘાટોના ભાગ રૂપે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાવાની હતી. જોકે, સપ્તાહના અંતે બંને દેશો વચ્ચે લશ્કરી તણાવમાં  વધારો થયા બાદ સ્થળ દોહા ખસેડ્યું અને હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત વિવાદોના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 

ટેકનિકલ વાટાઘાટો અંગેના અહેવાલોને ફગાવી

આ અગાઉ ઈરાનના નાયબ વિદેશ પ્રધાન કાઝેમ ખરીબાબાદીએ કતારમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ટેકનિકલ વાટાઘાટો અંગેના અહેવાલોને ફગાવી દીધા હતા. ખરીબાબાદીએ જણાવ્યું હતું કે જ્યારે કતાર સાથે ચર્ચા ચાલી રહી છે. ત્યારે દોહામાં યોજાનારી વર્કિંગ ગ્રુપની બેઠક અંગેના મીડિયા અહેવાલો સાચા નથી.