Sat Sep 12 2026

Logo

મહારાષ્ટ્રમાં ગોળીબારની ઘટનાઓ પાછળ વિદેશમાં રહેલી ખંડણી ટોળકીઓ જવાબદાર: ફડણવીસ

2026-06-30 18:46:12
Author: Vipul Vaidya
મહારાષ્ટ્રમાં ગોળીબારની ઘટનાઓ પાછળ વિદેશમાં રહેલી ખંડણી ટોળકીઓ જવાબદાર: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશોમાંથી સંચાલન કરી રહેલી સંગઠિત ખંડણી ટોળકીઓ મહારાષ્ટ્રમાં થયેલા ગોળીબારની ઘટનાઓ પાછળ જવાબદાર છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું. આ પહેલાં વિપક્ષઓએ એવી માગણી કરી હતી કે આવા ગોળીબારના કેસની અને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સંડોવણીની તપાસ કરવામાં આવે. વિધાનસભાને સંબોધતાં ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વિદેશોમાં રહીને વીપીએન અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને ધમકીઓ આપવાના કામ કરી રહેલા ક્રિમિનલ સિન્ડિકેટના લોકોને પાછા લાવવા માટેના પ્રયાસો કરી રહી છે. 

વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવાર દ્વારા કરવામાં આવેલા રાજ્યમાં તાજેતરમાં થયેલા કેટલાક ગોળીબારના બનાવો સંબંધી સવાલ અને વિધાનસભ્ય અસલમ શેખ દ્વારા કરવામાં આવેલા પૂરક સવાલોનો જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે તેઓ કેટલાક લોકોને ધમકાવે છે. જો કોઈ નાણાં આપવાનો ઈનકાર કરે તો સ્થાનિક ગુનેગારોને તેમના ઘર કે દુકાનની બહાર ગોળીબાર કરવાનો જણાવે છે. તેમનો હેતુ લોકોને ડરાવવાનો છે, જેથી તેઓ ખંડણીની રકમ ચૂકવી આપે. આ કોઈ ઘણા શક્તિશાળી લોકો નથી, તેઓ વિદેશોમાં રહીને ડર ફેલાવીને ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

તેમણે ગૃહને એવી ખાતરી આપી હતી કે સરકાર આવા બનાવોમાં સંડોવાયેલા બધા જ લોકોને શોધીને તેમની સામે કાર્યવાહી તેજ કરશે. તેમણે કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદરા વચ્ચે દુશ્મનાવટ છે અને બંને વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને ટ્રેસ કરી લઈશું. આ ખંડણીની ટોળગીઓ અને સંગઠિત ગુનેગારોની સિન્ડિકેટને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવામાં આવશે.