Fri Sep 04 2026

Logo

રેલવેની તમામ સેવાઓ હવે એક જ એપમાં! RailOne એપથી ટિકિટ બુકિંગ પર મળશે 3% ડિસ્કાઉન્ટ અને કેશબેક

2026-07-22 19:08:25
Author: Mumbai Samachar Team
રેલવેની તમામ સેવાઓ હવે એક જ એપમાં! RailOne એપથી ટિકિટ બુકિંગ પર મળશે 3% ડિસ્કાઉન્ટ અને કેશબેક

મુંબઈઃ હવે, ટિકિટ બુક કરાવવાથી લઈને લાઈવ ટ્રેન લોકેશન ચેક કરવાથી લઈને ભોજનનો ઓર્ડર આપવા અથવા ફરિયાદ નોંધાવવા સુધી બધું જ એક જ એપ દ્વારા કરી શકાશે. પશ્ચિમ રેલ્વેએ પ્રવાસીઓને ભારતીય રેલવેની 'RailOne' એપ ડાઉનલોડ કરવાની વિનંતી કરી છે. 

રેલ-વન ભારતીય રેલ્વેની એક ઓલ-ઇન-વન એપ છે જે વિવિધ આવશ્યક સેવાઓને એક જ જગ્યાએ એકીકૃત કરે છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે પ્રવાસીઓ રેલ-વન એપ દ્વારા સરળતાથી આરક્ષિત, અનરિઝર્વ્ડ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકે છે. વધુમાં, ટ્રેનની જાણકારી મેળવવા, PNR સ્ટેટસ ચેક કરવા, કોચ પોઝિશનની વિગતો જાણવા માટે ટ્રેન ટ્રેકિંગ, ફૂડ ઓર્ડરિંગ, રિફંડ અને 'રેલ મદદ'ની ઍક્સેસ જેવી સુવિધાઓ પણ આ એપ પર ઉપલબ્ધ છે. 

આનાથી વિવિધ કાર્યો માટે અલગ અલગ એપ્સ ડાઉનલોડ કરવાની ઝંઝટ દૂર થવાની સાથે જ  ડિજિટલ ટિકિટિંગને પણ પ્રોત્સાહન મળશે, આ એપને મળતો પ્રતિસાદ વધારવા માટે રેલવેએ એક મોટી ઓફર પણ રજૂ કરી છે. 
31 માર્ચ, 2027 સુધી રેલવન એપ દ્વારા બુક કરાયેલી અનરિઝર્વ્ડ ટિકિટો માટે તમામ ડિજિટલ પેમેન્ટ પર 3 ટકા ડિસ્કાઉન્ટ પ્રવાસીઓને મળશે. વધુમાં, 'R-Wallet'નો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીઓ પર પણ 3 ટકા કેશબેક આપવામાં આવશે. 

આ પહેલનો હેતુ વધુમાં વધુ પ્રવાસીઓને ડિજિટલ પેમેન્ટ અપનાવવા અને રેલવન એપનો ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રેલવેએ પ્રવાસીઓ માટે સિંગલ-વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ ગણાવ્યું છે તેમ જ રેલવેએ એ પણ નોંધ્યું કે તે રેલવેની મુસાફરીને પહેલા કરતાં વધુ સરળ, ઝડપી અને વધુ અનુકૂળ બનાવશે. તેમણે બધા મુસાફરોને રેલવન એપ ડાઉનલોડ કરવા અને તેની સુવિધાઓનો સંપૂર્ણ લાભ લેવા વિનંતી કરી હતી.