Tue Jun 30 2026

Logo

પુણે લોહગડ મર્ડર: વાગ્દત્તા સિયા ગોયલનું અફેર હોવાની કેતન અગરવાલને શંકા હતી

2026-06-30 18:50:15
Author: Yogesh D. Patel
Article Image

સિયાનું બેકગ્રાઉન્ડ ચકાસાયું હતું?: કેતને પરિવારજનોને પૂછ્યું હતું

પુણે: પુણેમાં ટ્રેકર અને રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન અગરવાલની હત્યાના કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સિયા ગોયલનું અફૅર હોવાની શંકા કેતને તેના પરિવાર સમક્ષ વ્યક્ત કરી હતી અને સિયા સાથે લગ્ન નક્કી કરતાં પહેલા તેનું બેકગ્રાઉન્ડ ચકાસાયું હતું? એવું તેણે પરિવારજનોને પૂછ્યું હતું.

પુણે જિલ્લાના લોહગડ કિલ્લા પરથી 18 જૂને કેતનને સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ ધક્કો માર્યો હતો. કેતન 400 ફીટ ઊંડી ખીણમાં પડતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેતનના પિતા વિશાલ અગરવાલે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે તેના પુત્રએ ચેતન સાથે સિયાની નિકટતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સિયા ઘણીવાર તેમની વચ્ચેની વાતચીતમાં ચેતનનું નામ લેતી હતી.

ઇન્ડોનેશિયાના બાલીની ટ્રિપ 6 જૂને રદ થયા બાદ કેતને તેના પિતાનો સંપર્ક સાધ્યો હતો અને સિયા નાની બાબતોમાં ઝઘડો કરતી હોવાની ફરિયાદ કરી હતી. પિતાએ તેને કહ્યું હતું કે તે નાની છે એટલે આવું વર્તન કરી શકે છે. પિતાએ કેતનને ખાતરી આપી હતી કે તેઓ સિયા સાથે આ અંગે વાત કરશે. સિયા અને કેતન 14 જૂને લોહગડ કિલ્લા પર એ જ જગ્યાએ ગયા હતા, જ્યાંથી ચાર દિવસ બાદ કેતનને ધક્કો મારવામાં આવ્યો હતો. 14 જૂને સિયાએ કેતનને કિલ્લા પરથી ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કેતને ઝાડને પકડી રાખતા બચી ગયો હતો. 

કેતનને આ અંગે સિયાને પૂછતાં તેણે સાપનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું અને કહ્યું હતું કે તેણે સાપથી તેને બચાવવાના પ્રયાસમાં આવું કર્યું હતું. દરમિયાન ઘરે આવ્યા બાદ કેતને ફરી તેના પિતાને પૂછ્યું હતું કે લગ્ન નક્કી કર્યા અગાઉ તેમણે સિયા વિશે પૂછપરછ કરી હતી? કેતને પિતાને એમ પણ કહ્યું હતું કે સિયાને જ્યારે હું કૉલ કરું છું, ત્યારે તેનો મોબાઇલ વ્યસ્ત રહેતો હોય છે.