Tue Aug 25 2026

Logo

નેધરલૅૅન્ડ્સમાં મોરોક્કો-તરફી લોકોએ જીતની ઉજવણીમાં પોલીસો પર ફટાકડા અને પથ્થર ફેંક્યા!

The Hague   2026-06-30 18:00:39
Author: Ajay Motiwala
નેધરલૅૅન્ડ્સમાં મોરોક્કો-તરફી લોકોએ જીતની ઉજવણીમાં પોલીસો પર ફટાકડા અને પથ્થર ફેંક્યા!

AP


ધ હેગ (નેધરલૅન્ડ્સ): મેક્સિકોમાં મંગળવારે સવારે ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં સાતમા ક્રમના નેધરલૅન્ડ્સ સામે છઠ્ઠી રૅન્કવાળા મોરોક્કોએ ભારે સંઘર્ષ બાદ 1-1ની ડ્રૉ બાદ પરિણામ લાવવા રાખવામાં આવેલા પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી રોમાંચક વિજય મેળવ્યો ત્યાર બાદ નેધરલૅન્ડસમાં મોરોક્કો તરફી ફૂટબૉલપ્રેમીઓ વિફર્યા હતા અને વિજયના ઉન્માદમાં તેમણે પોલીસ (Police) કર્મચારીઓ પર હુમલા કર્યા હતા.

નેધરલૅન્ડ્સમાં મોરોક્કો (Morocco)ના મૂળ વતનીઓની મોટી વસતી છે. ડચ ટીમને મોરોક્કોએ ટૂર્નામેન્ટની બહાર કરી દીધું ત્યાર બાદ નેધરલૅન્ડ્સના ધ હેગ શહેરમાં મોરોક્કો-તરફી લોકોએ પોલીસ પર હુમલા કર્યા હોવાના છૂટાછવાયા બનાવો બન્યા હતા.

પોલીસે એપીને જણાવ્યું હતું કે `સ્ખિલ્ડરવેક જિલ્લામાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. એક જગ્યાએ પોલીસ કર્મચારીઓ પર ફટાકડા અને પથ્થર ફેંકાયા હતા. જોકે રાયટ-સ્ક્વૉડે તાબડતોબ પગલાં ભર્યા હતા અને તોફાન મચાવતા લોકોને વિખેરવા વૉટર કૅનનથી તેમના પર પાણીનો ભારે છંટકાવ કર્યો હતો. 17 તોફાનીની ધરપકડ કરવામાં આવી છે.'

મેક્સિકોમાં રમાયેલી મૅચમાં પેનલ્ટી શૂટઆઉટમાં ચરમસીમા આવી રહી હતી ત્યારે શાંત બેસી રહેલા મોરોક્કો-તરફી લોકોએ શોરબકોર શરૂ કરી દીધો હતો. મોરોક્કોના ઇસ્માઇલ સાઇબારીએ નિર્ણાયક કિક મારીને મોરોક્કોને વિજય અપાવ્યો ત્યારે લોકો રસ્તા પર આવી ગયા હતા અને ફટાકડા ફોડ્યા હતા, વાહનોના હૉર્ન વારંવાર વગાડીને અવાજનું પ્રદૂષણ વધારી દીધું હતું અને વર્કિંગ-ડે હોવા છતાં સવારે પાંચ વાગ્યા સુધી સેલિબ્રેશન ચાલ્યું હતું. તેઓ રસ્તાઓ પર ખૂબ નાચ્યા હતા અને `કૅનેડા, હવે તમારો વારો.' ઉલ્લેખનીય છે કે ચોથી જુલાઈએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં મોરોક્કોનો મુકાબલો કૅનેડા સામે થશે. 2022ના વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં મોરોક્કોએ કૅનેડાને 2-1થી હરાવ્યું હતું.