Mon Oct 05 2026

Logo

ભારતે હૉકીમાં પાકિસ્તાનને 7-1થી કચડી નાખ્યું

2026-06-27 11:42:00
Author: Ajay Motiwala
ભારતે હૉકીમાં પાકિસ્તાનને 7-1થી કચડી નાખ્યું

Pic source: FIH


લંડન: ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી એફઆઈએચ પ્રો લીગ હૉકી (Hockey) ટૂર્નામેન્ટમાં શુક્રવારે રાત્રે ભારતે જબરદસ્ત આક્રમક અભિગમ સાથે કટ્ટર હરીફ પાકિસ્તાનને 7-1થી કચડી નાખ્યું હતું.

ભારતના સાત ખેલાડીએ કર્યો એક-એક ગોલ

વધુ નવાઈની વાત એ છે કે ભારત (India)ના સાત ખેલાડીએ 20થી 54મી મિનિટ દરમ્યાન એક-એક ગોલ કર્યો હતો. આ સાતેય પ્લેયરે પાકિસ્તાન (Pakistan)ને પોતાની ક્ષમતા બતાવી દીધી હતી. બીજી તરફ, ક્રેગ ફુલ્ટનના કોચિંગ બાદ ટર્ફ પર ઉતરેલી ભારતીય હૉકી ટીમના ડિફેન્ડરો અને ગોલકીપરે પણ પાકિસ્તાનની ટીમને શરૂઆતથી છેક સુધી અંકુશમાં રાખી હતી. ભારતના સાત ગોલ સામે પાકિસ્તાન ફક્ત એક ગોલ કરી શક્યું હતું.

કોણે ભારતને 7-1થી જિતાડ્યું?

ભારત વતી ગોલ કરનાર ખેલાડીઓમાં સુખજીતસિંહ, કેપ્ટન હરમનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, દિલપ્રીત સિંહ, જુગરાજ સિંહ, અભિષેક અને રાજકુમાર પાલનો સમાવેશ હતો. પાકિસ્તાન વતી એકમાત્ર ગોલ અબુ મોહમ્મદે પેનલ્ટી કોર્નર મારફત કર્યો હતો.

રોમાંચક સ્થિતિમાં મૅચ શરૂ થયા બાદ 13મી મિનિટમાં અબુ મોહમ્મદે ભારતના ગોલકીપર મોહિત એચ.એસને થાપ આપીને ગોલ કર્યો હતો. પાકિસ્તાને 1-0થી સરસાઇ તો મેળવી હતી, પરંતુ 20મી મિનિટમાં સુખજીત અને હરમનપ્રીતની જોડીએ ભારતને પહેલો ગોલ અપાવ્યો હતો અને સ્કોર 1-1 થઈ ગયો હતો.

પાકિસ્તાની ખેલાડી ઘાયલ, હૉસ્પિટલમાં દાખલ

બીજા ક્વૉર્ટરમાં પાકિસ્તાનના અહમદ નદીમને આંખ પર બૉલ વાગ્યો હતો. ઈજા ગંભીર હતી અને તેને વ્હીલચેરમાં બેસાડીને પાછો લઈ જવામાં આવ્યો હતો અને પછીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનીઓ પર તૂટી પડ્યા હતા અને એક પછી એક કુલ છ ગોલ કરીને છેલ્લે 7-1થી જીત હાંસલ કરી હતી.

પાકિસ્તાન તમામ 15 મૅચમાં પરાજિત

આ સીઝનમાં ભારતની આ ચોથી જીત હતી. ભારતે 15 મૅચ રમીને કુલ 17 પોઇન્ટ મેળવ્યા છે. જોકે પાકિસ્તાન તમામ 15 મૅચ હાર્યું હોવાથી એના ખાતે હજી એકેય પોઇન્ટ નથી. ભારતનો હવે રવિવારે ઇંગ્લૅન્ડ સામે મુકાબલો થશે.