સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ગઈકાલ રાતથી જ વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારે 6 થી બપોરના 2 કલાક સુધીમાં 2.40 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. 4 ઇંચ વરસાદમાં સુરતમાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. 400 મીટરનો રોડ પણ બેસી ગયો છે અને અનેક જગ્યાએ ભુવા પડ્યા છે, જેના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે.
ક્યાં બેસી ગયો 400 મીટરનો રોડ
મળતી વિગત પ્રમાણે, સુરતના મોટા વરાછાના હેવન રિવરફ્રન્ટ રોડ પર ત્રણ મહિના પહેલાં જ ₹3 કરોડના ખર્ચે બનેલો 400 મીટરનો નવો રસ્તો અચાનક બેસી ગયો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે, આ રોડ પર થોડા સમય પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી. પરંતુ લાઈન નાખ્યા પછી રસ્તાનું સમારકામ ખૂબ જ ખરાબ રીતે કરવામાં આવ્યું હતું, પૂરતું પુરાણ નહોતું કરાયું, જેના કારણે આજે આ સ્થિતિ ઉભી થઈ હતી.

આ ઉપરાંત આ રસ્તા પર એક-બે નહીં પણ ઠેર ઠેર મોટા ભુવા પડ્યા હતા. આ ભુવામાંથી એકમાં ચાલુ કાર ફસાઈ ગઈ હતી.કાર ચાલકે સમયસૂચકતા વાપરીને બ્રેક મારી દીધી હતી અને કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર કૂદી ગયા હતા. જેના કારણે જાનહાનિ ટળી હતી. રોડ પર પડેલા ભુવો પુરવા માટે જે સરકારી ટ્રક સામાન લઈને આવી હતી તે ટ્રક જ ભુવામાં ફસાઈ ગઈ હતી.
શહેરમાં 4 ઇંચ વરસાદથી જ આ રોડ ધોવાઈ ગયો હતો. કરોડો રૂપિયા વાપરવા છતાં તંત્રની નબળી અને ભ્રષ્ટાચારથી ભરેલી કામગીરીને કારણે માત્ર ત્રણ મહિનામાં જ અને 4 ઇંચ વરસાદમાં નવો રોડ ધોવાઈ જતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

બપોરે 2 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, સવારે 6 થી બપોરે 2 કલાક સુધીમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. નવસારીમાં 3.66 ઇંચ, પેટલાદમાં 2.91 ઇંચ, સુરત શહેરમાં 2.4 ઇંચ, કામરેજમાં 2.36 ઇંચ, જલાલપોરમાં 2.01 ઇંચ, ધરમપુરમાં 1.81 ઇંચ વરસાદ નોંધાયો હતો.