મુંબઇઃ હોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને ગાયક ટાયરેસ ગિબ્સન તાજેતરમાં જ ભારત આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ભાવુક મેસેજ શેર કરીને પોતાની ભારત યાત્રાને 'જીવન બદલી નાખનારી' અને એક આધ્યાત્મિક સફર ગણાવી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે ભારતની આ સફર તેમના જીવનના એક મોટા અને પ્રેરણાદાયી બદલાવની શરૂઆત છે.
મંદિરમાં પૂજા કરી અને ડૉ. માર્ટિન લૂથર કિંગને યાદ કર્યા
ટાયરેસ ગિબ્સને ઇન્સ્ટાગ્રામ પર મુંબઈના એક મંદિરની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેઓ શિવલિંગ પર દૂધ ચઢાવતા અને આરતી કરતા જોવા મળી રહ્યા છે. પોતાની પોસ્ટમાં તેમણે વર્ષ 1959માં ડૉ. માર્ટિન લૂથર કિંગ જુનિયરની ભારત યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.
ટાયરેસે લખ્યું, 'ડૉ. માર્ટિન લૂથર કિંગ પણ ગાંધીજીના વિચારોને સમજવા ભારત આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈસુ ખ્રિસ્તે તેમને પ્રેમ કરતા શીખવ્યું, પરંતુ મહાત્મા ગાંધીએ તેમને અહિંસાનો માર્ગ બતાવ્યો. એ યાત્રાએ ઈતિહાસ બદલી નાખ્યો હતો.'
સામાન્ય પ્રવાસીની જેમ ફરવા આવ્યા ટાયરેસ
ટાયરેસે જણાવ્યું કે ભારતમાં આવવાનો તેમનો મુખ્ય હેતુ ધ્યાન (મેડિટેશન) શીખવાનો અને માનસિક શાંતિ મેળવવાનો છે, જેથી તેઓ પોતાના અંદરની બેચેનીને દૂર કરી શકે. તેમણે ભારતમાં મળેલા આતિથ્ય સત્કાર (મહેમાનગતિ) માટે અહીંના લોકોનો આભાર માન્યો હતો.
બાળપણના મિત્ર અને મેન્ટર (માર્ગદર્શક)નો આભાર માન્યો
આ યાત્રામાં ટાયરેસની સાથે તેમના બાળપણના મિત્ર કેન્યાટા પણ છે. બંને 8 વર્ષની ઉંમરથી મિત્રો છે. ટાયરેસે ભાવુક થઈને કહ્યું, 'કેન્યાટાના પરિવારે મારા બાળપણના સૌથી મુશ્કેલ દિવસોમાં મને સહારો આપ્યો હતો. જ્યારે તમે ખરેખર કૃતજ્ઞ હોવ છો, ત્યારે તમે હંમેશા એવા લોકોનું ઋણ ચૂકવવાનું વિચારો છો જેમણે તમારા ખરાબ સમયમાં સાથ આપ્યો હતો.'
ટાયરેસના પ્રોજેક્ટ્સ
ટાયરેસ ગિબ્સન આવનારા સમયમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાના છે. 'ફાસ્ટ ફોરેવર' (Fast Forever) માં તેઓ ફરીથી પોતાના પ્રખ્યાત પાત્ર 'રોમન પિયર્સ' તરીકે દેખાશે. આ સિવાય, તેઓ જાણીતા આર એન્ડ બી (R&B) સિંગર ટેડી પેન્ડરગ્રાસની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને તેને પ્રોડ્યુસ (નિર્માણ) પણ કરી રહ્યા છે.