Tue Jun 30 2026

Logo

ધર્માંતર વિરોધી કાયદામાં વિશેષ કાનૂની જોગવાઈ છે, નિર્દોષ લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે નહીં: ફડણવીસ

2026-06-30 18:54:26
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા)ની વર્તમાન જોગવાઈઓ બળજબરી કરવામાં આવતા ધર્માંતરણને રોકવા માટે અપૂરતી હોવાનું જણાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવેલા ધર્માંતર વિરોધી કાયદામાં બળજબરી કરવામાં આવતા ધર્માંતરને રોકવા માટે સમર્પિત કાનૂની માળખું ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. 

વિધાનસભામાં આ મુદ્દે કરવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ગૃહ ખાતાનો હવાલો સંભાળતા ફડણવીસે કહ્યું હતું કે આ કાયદાનો અમલ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. 

રાજ્ય વિધાનસભા દ્વારા મંજૂર કરવામાં આવેલા ધર્માંતર-વિરોધી કાયદાના માધ્યમથી બળજબરી ધર્માંતરને રોકવા માટે કાનૂની માળખું તૈયાર થશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા ફોરેન ક્ધટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ)ને સક્ષમ કરવામાં આવ્યો છે અને તેમાં વિદેશી ભંડોળનો ધર્માંતર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરનારાઓનાં લાઈસન્સ રદ કરવામાં આવશે. 

નાગપુરના તાજેતરના કેસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ધર્માંતરના આરોપો કરવામાં આવ્યા હતા, પરંતુ પિડિતાની ફરિયાદ કથિત જાતીય સતામણી માટે હતી. આ કેસની તપાસ ઉપલબ્ધ પુરાવાને આધારે કરવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.