Mon Sep 07 2026

Logo

ઘાટકોપરમાં નોકરાણીના પરિવાર સાથે મળી સાસુએ પુત્રવધૂની હત્યા કરી હતી

2026-08-19 20:51:38
Author: Yogesh C. Patel
ઘાટકોપરમાં નોકરાણીના પરિવાર સાથે મળી સાસુએ પુત્રવધૂની હત્યા કરી હતી

(અમારા પ્રતિનિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં સાસુએ કરેલી પુત્રવધૂની હત્યાના કેસમાં ચોંકાવનારી માહિતી સામે આવતાં પોલીસે વધુ ચારની ધરપકડ કરી હતી. સાસુએ મહિના પહેલાં પુત્રવધૂની હત્યાનું કાવતરું ઘડી ત્રણ લાખ રૂપિયાની લાલચે નોકરાણીના પરિવારને કાવતરાને અંજામ આપવા મનાવી લીધો હતો.પંતનગર પોલીસે રવિવારની સાંજે પુત્રવધૂ સપના પ્રમોદ ગંજી (35)ની હત્યા કરવાના કેસમાં સાસુ ધનલક્ષ્મી ગંજી (60)ની બીજે દિવસે ધરપકડ કરી હતી. કોર્ટે 24 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસે આરોપી સાસુની પૂછપરછ હાથ ધરી હતી.

ધનલક્ષ્મીએ આપેલી માહિતી પરથી પોલીસે નોકરાણી મંગલાબાઈ જાધવ (45), તેના પતિ સુરેશ (46), દીકરી શિવાની (21) અને દીકરા સાજન (19)ની મંગળવારે ધરપકડ કરી હતી. કોર્ટે ચારેય આરોપીને 28 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.બે વર્ષ અગાઉ સપના અને તેનાં પિયરિયાં દ્વારા ધનલક્ષ્મીના પરિવાર વિરુદ્ધ નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એ સિવાય ઘરેલુ હિંસા મામલે કોર્ટમાં ખટલો દાખલ કરાયો હતો. આ વાતનો રોષ ધનલક્ષ્મીના મનમાં ધરબાયેલો હતો.

આરોપી ધનલક્ષ્મીએ સપનાની હત્યા માટે મહિના પહેલાં કાવતરું ઘડ્યું હતું અને તેમાં નોકરાણીના પરિવારને પણ સંડોવ્યો હતો. રવિવારની સાંજે એક પછી એક બધા આરોપી સપનાના ઘરમાં ઘૂસ્યા હતા. દારૂના નશામાં ચૂર સપનાના માથા પર કાચનો ગ્લાસ ફટકારવામાં આવ્યો હતો અને પછી તેની આંખમાં મરચાંની ભૂકી નાખવામાં આવી હતી. પછી ઓઢણીની મદદથી ગળું દબાવીને સપનાની હત્યાનો પ્રયાસ કરાયો હતો. જોકે સપના મરી ન હોવાનું જોઈ સુરેશ અને તેનો દીકરો સાજન સપનાના ગળા પર પગ મૂકી ઊભા રહી ગયા હતા.હત્યા પછી ધનલક્ષ્મીએ જ સપનાને નજીકની ખાનગી હૉસ્પિટલમાં પહોંચાડી હતી. ત્યાંના તબીબની સલાહથી સપનાને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.