સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં સોમવાર રાતથી વરસાદ શરૂ થયો છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં શહેરમાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. જોકે આટલા જ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. સુરતમાં વરસાદથી ભીમનગર અને લીંબાયત વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા હતા. જ્યારે કેટલાક ગરનાળા પણ પાણીમાં ગરકાવ થયા હતા. સુરતના વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના કારણે રોડ બંધ થઈ ગયો હતો. તંત્ર દ્વારા વૃક્ષ હટાવીને રસ્તો ખૂલ્લો કરવામાં આવ્યો હતો.
રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સુરતના તમામ વિસ્તારોમાં સરેરાશ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જહાંગીરપુરા, અડાજણ અને પાલ જેવા પશ્ચિમ સુરતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને મધ્યમ અને શ્રમિક વર્ગના વિસ્તારો જેવા કે ઉધના અને લિંબાયતમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
ચોમાસાની પહેલી જ સિઝનમાં સુરત મનપાની પોલ ખુલી | Surat Rains | Monsoon2026 #surat #SuratMunicipalCorporation #SMC #Udhna #Dindoli #SuratRains #Monsoon2026 #CivicIssues #GujaratNews #સુરત #મનપા #વરસાદ pic.twitter.com/Nn36Yizg7i
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 30, 2026
ઉધના અને ડિંડોલીને જોડતા વ્યસ્ત ભીમનગર ગરનાળામાં વહેલી સવારથી જ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. આ ગરનાળામાં દર ચોમાસે પાણી ભરાવવાની જૂની સમસ્યા છે, પરંતુ આ વખતે ડ્રેનેજ લાઈનો ચોકઅપ (બ્લોક) હોવાને કારણે ગટરના ગંદા પાણી રસ્તા પર આવી ગયા છે. ગરનાળામાં પાણી એટલું વધારે હતું ત્યાંથી પસાર થતા ઘણા વાહનચાલકોના બાઇક-ગાડીઓ અધવચ્ચે જ બંધ પડી ગયા હતા. દર વર્ષની આ સમસ્યાથી કંટાળીને સ્થાનિક લોકો સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે સોશિયલ મીડિયા અને રસ્તા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.
કેટલો પડ્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, સુરત શહેરમાં સવારે 6 થી 8માં 7 મિમી, સવારે 8 થી 10માં 44 મિમી અને સવારે 10 થી બપોરે 12માં 8 મિમી મળી કુલ 59 મિમી એટલે કે 2.32 ઇંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં 2.36 ઇંચ, નવસારીમાં 1.77 ઇંચ, ધરમપુરમાં 1.69 ઇંચ, પલસાણામાં 1.57 ઇંચ, ઓલપાડમાં 1.38 ઇંચ, જલાલપોરમાં 1.30 ઇંચ, ચોર્યાસીમાં 1.30 ઇંચ, માંગરોળમાં 1.18 ઇંચ, મહુવા(સુરત)માં 0.98 ઇંચ વરસાદ વરસ્યો હતો.