Sun Sep 06 2026

Logo

રાજ્યના આરોગ્ય પ્રધાને ખાદ્ય-દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા કેન્દ્ર સરકાર સમક્ષ કરી રજૂઆત

2026-06-30 17:15:56
Author: Pooja Shah
રાજ્યના આરોગ્ય પ્રધાને ખાદ્ય-દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા કેન્દ્ર સરકાર સમક્ષ કરી રજૂઆત

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન જે પી નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગુજરાત અને દેશના આરોગ્ય ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. 

જેમાં ફૂડ અને ડ્રગ્સમાં ભેળસેળ કરનાર તત્વો સામે વધુ અસરકારક કાર્યવાહી માટે તેમણે વર્ષ-2006ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ  જરૂરી સુધારા કરીને વધુ કડક અને નિરોધાત્મક કાનૂની જોગવાઈઓ લાવવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી, જેથી જનસ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને ભેળસેળના ગુનાઓ પર અસરકારક નિયંત્રણ સ્થાપી શકાય.
આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન સારવાર સરળતાથી ઉપલબ્ધ બને તે માટે રાજકોટ સ્થિત એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સુવિધા વિકસાવવાની માંગણી કરી હતી. આ સુવિધા ઉપલબ્ધ થતાં રાજ્યના પશ્ચિમ વિસ્તારના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવારનો લાભ મળશે.

દેશમાં એન્ટિબાયોટિક દવાઓના વધતા અને અનિયંત્રિત ઉપયોગ અંગે પણ પ્રફુલ પાનશેરીયાએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક્સના અતિરેક ઉપયોગને કારણે દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા જેવી ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે. તેથી દેશવ્યાપી સ્તરે એન્ટિબાયોટિક્સના જવાબદાર અને નિયંત્રિત ઉપયોગ માટે અસરકારક નીતિ તથા કડક અમલીકરણની જરૂરિયાત છે.