Tue Jun 30 2026

Logo

પીઓકેના કાશ્મીરીઓએ પાકિસ્તાનને માર્યો 'તમાચો', કહ્યું અમે પાકિસ્તાની નથી, જુઓ વાયરલ વીડિયો

2026-06-30 17:40:58
Author: Devayat Khatana
Article Image

રાવલકોટઃ છેલ્લા અનેક સમયથી પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoK)માં પાકિસ્તાન વિરોધી બળવો ચાલી રહ્યો છે. પીઓકેના લોકોનો પાકિસ્તાન સરકાર અને સેના સામેનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. રાવલકોટમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના બહાર આવેલા એક નવા વીડિયોમાં કાશ્મીરીઓએ ખુલ્લેઆમ બળવો પોકારીને સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો નથી. 

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકોએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની તાનાશાહીનો સખત વિરોધ કરતા પાકિસ્તાન સરકારને આડે હાથ લીધી હતી. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ કાશ્મીર પર ધ્યાન આપવાને બદલે પહેલા પોતાના દેશના નાગરિકોને શિક્ષિત કરે અને હેરાન-પરેશાન થઈ રહેલા પાકિસ્તાની મજૂરોની મદદ કરે.

વાયરલ થયેલા આ વીડિયોમાં એક કાશ્મીરી આગેવાનોએ પાકિસ્તાન આર્મીને સીધી ચેતવણી આપી હતી કે જો તેમના પર અત્યાચાર બંધ નહીં થાય તો તેઓ બીજો રસ્તો શોધી લેશે, જેનો સીધો ઈશારો ભારત તરફ હોવાનું મનાય છે. તેણે મંચ પરથી ગર્જના કરતા કહ્યું કે, "સીઝફાયર લાઈન પર અમારી પત્નીઓ અને બાળકો ધરણાં પર બેઠા છે. જો તમે કાશ્મીરીઓનું રાશન બંધ કરવાની ધમકી આપતા હોવ તો સાંભળી લો કે અમને તમારા રાશનની કોઈ જ જરૂર નથી. ઉલટાનું તમારે અમારી જરૂર છે. જો અમે બીજો કોઈ રસ્તો અપનાવી લીધો તો તમારે અમારી સામે કરગરવાનો વારો આવશે."

પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કાશ્મીરની જનતા કોઈ પણ પ્રકારનો માર્શલ લૉ કે તાનાશાહી સ્વીકારશે નહીં. પાકિસ્તાનની ખોખલી નીતિઓ પર કટાક્ષ કરતા આ કાશ્મીરી નેતાએ કહ્યું કે, જેવી રીતે વાંદરાના હાથમાં માચીસ આવતા તે આગ લગાવી દે છે, તેવી જ રીતે પાકિસ્તાનીઓના હાથમાં મોબાઈલ અને ટ્વિટર આવી ગયું છે.

તેઓ કાશ્મીરીઓની વફાદારીની વાતો કરે છે, પરંતુ સત્ય એ છે કે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો છે જ નહીં. તેમણે પાકિસ્તાન સરકારને પોતાના દેશના શ્રમિકો પ્રત્યે વફાદાર રહેવા અને તેમને રોજગાર, શિક્ષણ તેમજ ન્યાય આપવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, PoKમાં ચાલી રહેલા આ ઉગ્ર વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ 'અવામી એક્શન કમિટી' કરી રહી છે. સેના અને સરકારના કડક પ્રતિબંધો તથા સુરક્ષા વ્યવસ્થા છતાં લોકો મોંઘવારી, આર્થિક સંકટ અને વહીવટી નિષ્ફળતાઓ સામે રસ્તા પર ઉતરી આવ્યા છે.