નવી દિલ્હી: ભારતીય સેનાના નવા પ્રમુખ તરીકે જનરલ ધીરજ સેઠે આજે ઔપચારિક રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આ અગાઉ તેઓ સેનાના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમના આ પદગ્રહણ સાથે જ વર્તમાન સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તેમના પદ પરથી સેવાનિવૃત્ત થયા છે. નિવૃત્તિ નિમિત્તે જનરલ દ્વિવેદીએ દિલ્હી સ્થિત નેશનલ વૉર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યાર બાદ સાઉથ બ્લોક ખાતે તેમને સેના દ્વારા ઔપચારિક 'ગાર્ડ ઓફ ઓનર' પણ આપવામાં આવ્યું હતું.
નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), ખડકવાસલાના પૂર્વ વિદ્યાર્થી રહેલા જનરલ ધીરજ સેઠે ડિસેમ્બર 1986માં ભારતીય સેનાની આર્મર્ડ કોરમાં કમિશન મેળવ્યું હતું. તેમના 40 વર્ષની સૈન્ય કારકિર્દી દરમિયાન તેમણે રણપ્રદેશોમાં આર્મર્ડ રેજિમેન્ટ, પશ્ચિમી મોરચા પર આર્મર્ડ બ્રિગેડ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. પોતાના બહોળા અનુભવથી તેમણે ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતા અને દીર્ઘકાલીન પરિવર્તનમાં અત્યંત મહત્વનું યોગદાન આપ્યું છે.
લેફ્ટનન્ટ જનરલ તરીકે તેમણે ભારતીય સેનાની પ્રમુખ સ્ટ્રાઈક ફોર્મેશન 'સુદર્શન ચક્ર કોર'ની કમાન સંભાળી હતી. આ ઉપરાંત, તેમણે દિલ્હી એરિયાના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) અને સેના કમાન્ડર તરીકે દક્ષિણ-પશ્ચિમી તેમ જ દક્ષિણી કમાનની પણ મહત્વની જવાબદારીઓ નિભાવી છે. જનરલ સેઠને અઢી વર્ષથી વધુ સમય સુધી બે અલગ-અલગ ઑપરેશનલ સૈન્ય કમાન્ડનું નેતૃત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જનરલ ધીરજ સેઠ એક અત્યંત કુશળ સૈન્ય અનુભવી છે, જેમણે પોતાના લશ્કરી શિક્ષણ અને તાલીમ અભ્યાસક્રમોમાં હંમેશાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તેઓ હાયર કમાન્ડ કોર્સ અને નેશનલ ડિફેન્સ કોલેજ (NDC)ના સ્નાતક છે. આ ઉપરાંત, તેમણે પેરિસમાં આયોજિત પ્રતિષ્ઠિત 'કમાન્ડ એન્ડ સ્ટાફ કોર્સ'માં પણ ભાગ લીધો હતો.