Sat Sep 05 2026

Logo

થાણેમાં સગીરાની જાતીય સતામણીના કેસમાં યુવકને 20 વર્ષની સખત કેદ સગીરોને લગતા કેસમાં સહમતિ અર્થહીન છે: વિશેષ કોર્ટ

2026-06-30 18:12:00
Author: Yogesh D. Patel
થાણેમાં સગીરાની જાતીય સતામણીના કેસમાં યુવકને 20 વર્ષની સખત કેદ સગીરોને લગતા કેસમાં સહમતિ અર્થહીન છે: વિશેષ કોર્ટ

થાણે: થાણેની વિશેષ કોર્ટે 2022માં સગીરાની વારંવાર જાતીય સતામણી કરવાના કેસમાં 30 વર્ષના યુવકને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે કાયદા હેઠળ બાળકની સહમતિ અર્થહીન છે અને બચાવ પક્ષની ‘પ્રેમસંબંધ’ની દલીલને ફગાવી દીધી હતી.વિશેષ પોક્સો કોર્ટના જજ પ્રેમલ વિઠલાણીએ સોમવારે આરોપી જ્ઞાનેશ્ર્વર ઉર્ફે ધુલેશ્ર્વર પૂજિયાલાલ કલસુવાને ભારતીય દંડસંહિતાની કલમ 376 (2) (એન) (વારંવાર બળાત્કાર) અને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ દોષી ઠેરવ્યો હતો. જોકે કોર્ટે અપહરણના આરોપમાંથી તેને નિર્દોષ જાહેર કર્યો હતો અને નોંધ્યું હતું કે પીડિતા લગ્ન કરવા માટે અને પરિવારથી બચવા તેની સાથે સ્વેચ્છાએ રાજસ્થાનમાં તેના વતન ગઇ હતી.

જજે આરોપી ધુલેશ્ર્વરને સજા ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જે પીડિતાને વળતર તરીકે ચૂકવવામાં આવશે. ટ્રાયલ દરમિયાન સાત સાક્ષીદારને ચકાસવાયા હતા.
થાણેના કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં જુલાઇ, 2022માં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. માજીવડા ખાતે આરોપીની દુકાનની બાજુમાં ફણગાવેલા કઠોળ વેચતી પીડિતાએ તેની માતાને કહ્યું હતું કે આરોપી અને તેની વચ્ચે સંબંધ છે અને જૂન, 2012થી જૂન, 2022 દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

પીડિતા અને આરોપી (એ સમયે તેમની વય 26 વર્ષ હતી) રાજસ્થાનમાં તેમના વતન ભાગી છૂટ્યાં હતાં. પીડિતા પાછી ફર્યા બાદ તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે તે 20 અઠવાડિયાની ગર્ભવતી છે. જોકે બાદમાં થાણેમાં પાલિકાની હોસ્પિટલમાં તેનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો અને ડીએનએ રિપોર્ટમાં ગર્ભનો જૈવિક પિતા આરોપી હોવાનું જાણવા મળ્યું હતું, એમ તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું. (પીટીઆઇ)