મુંબઈ: ગૅન્ગસ્ટર કુમાર પિલ્લઈને જે કેસોમાં ખટલો ચલાવવા માટે પ્રત્યર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો તે બધા કેસમાંથી નિર્દોષ છૂટી ગયો હોવાથી તેને તેના સ્વદેશ હૉન્ગકૉન્ગ પાછો મોકલી દેવા જરૂરી પગલાં લેવા માટે મુંબઈની કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ કરાયું છે કે પ્રત્યર્પણ કરનાર દેશની મંજૂરી ન હોય તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ પણ પેન્ડિંગ કેસ માટે ભારતમાં ખટલો ચલાવી શકાય નહીં, એવું વિશેષ એમસીઓસીએ કોર્ટના જજ સત્યનારાયણ આર. નવાન્ડરે 13 ફેબ્રુઆરીએ આપેલા આદેશમાં જણાવ્યું હતું.
ફરિયાદ પક્ષ પાસે પિલ્લઈને તેના સ્વદેશ હૉન્ગકૉન્ગ પાછો મોકલી આપવાનાં પગલાં લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બાકીના કેસમાં પિલ્લઈ સામે કેસ ચલાવવા હૉન્ગકૉન્ગ પ્રશાસન પાસેથી ફરિયાદી પક્ષે પરવાનગી માગી હોય તેવું સૂચવતી કોઈ સામગ્રી રેકોર્ડ પર નથી, એમ કોર્ટે નોંધ્યું હતું.
મૂળ ભારતીય નાગરિક પિલ્લઈ હૉન્ગકૉન્ગ જતો રહ્યો હતો અને તેણે ત્યાંનું નાગરિકત્વ લીધું હતું. તેની વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 2012માં રેડ કૉર્નર નોટિસ ઈશ્યુ કરાયા પછી 2016માં તેની સિંગાપોરમાં ધરપકડ કરવામાં આવી હતી.
ભારતમાં પિલ્લઈ વિરુદ્ધ છ કેસ હોવાથી સિંગાપોરની કોર્ટ સમક્ષ તેના પ્રત્યર્પણ માટે ભારત પ્રશાસન દ્વારા અરજી કરવામાં આવી હતી. જોકે પિલ્લઈ વિરુદ્ધ માત્ર ત્રણ કેસ ચલાવવા માટે પ્રત્યર્પણની મંજૂરી અપાઈ હતી. આ ત્રણેય કેસનો નિકાલ આવ્યો છે અને તેમાં પિલ્લઈ નિર્દોષ જાહેર થયો છે, એમ કોર્ટે નોંધ્યું હતું.
પિલ્લઈના વકીલ પંકજ કવળેએ દલીલ કરી હતી કે મારા અસીલ વિરુદ્ધ પ્રત્યર્પણનો હેતુ હવે પૂર્ણ થયો છે. મારો અસીલ ભારતનો નાગરિક નથી અને તેથી આ દેશમાં રહેવાનું ચાલુ રાખે તે કાયદેસર નહીં ગણાય. એક્સ્ટ્રાડિશન ઍક્ટની કલમ 21 હેઠળ તેને ફરીથી હૉન્ગકૉન્ગ મોકલી દેવો જોઈએ, એમ વકીલે જણાવ્યું હતું.
દલીલો પત્યા પછી કોર્ટે પિલ્લઈને ફરી સ્વદેશ મોકલી આપવા જરૂરી પગલાં લેવાના નિર્દેશ મુંબઈના પોલીસ કમિશનરને આપ્યા હતા. (પીટીઆઈ)