નવી દિલ્હીઃ પાટનગરમાં સીજેપી (CJP)ના પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવા મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ પોલીસની કાર્યવાહીને વખોડવાની સાથે સરકારની ઝાટકણી કાઢી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે પોતાના ભવિષ્ય અંગે વ્યાજબી પ્રશ્નો પૂછવા પર વિદ્યાર્થીઓને ફટકારવામાં આવ્યા હતા. તેમણે સંસદના ચોમાસુ સત્રમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને નીટ પરીક્ષા પેપર લીક સંકટ પર વિગતવાર ચર્ચાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ આ મુદ્દે વડા પ્રધાન મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા અને વિદ્યાર્થીઓની માફી માંગવાની માંગ કરી હતી. એટલું જ નહીં, ધર્મેન્દ્ર પ્રધાનની સાથે ગૃહ મંત્રીનું પણ રાજીનામું માગ્યું હતું.
શું બોલ્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, સમગ્ર દેશ જાણે છે કે એજ્યુકેશન સિસ્ટમ સંપૂર્ણ ખતમ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ જે ફરિયાદ કરી રહ્યા છે તેમાં કંઈ ખોટું નથી. કૉંગ્રેસ સતત આ મુદ્દો ઉઠાવી રહી છે અને સરકારને પણ અનેક વખત પ્રેઝન્ટેશન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ અને તેમના પર થઈ રહેલી પોલીસ કાર્યવાહી તાત્કાલિક અટકાવવી જોઈએ.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું, દેશામાં યુવાનો માટે લગભગ તમામ દરવાજા બંધ થઈ ચુક્યા છે અને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાનો દરવાજો ખુલ્લો હતો, જેને પણ હવે બરબાદ કરી દીધો છે. આ ઉપરાંત, રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણીનો પ્રભાવ વધી રહ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હોવાનું જણાવી કહ્યું હતું કે આરએસએસએ શિક્ષણ વ્યવસ્થા પર કબજો કરી લીધો છે અને પ્રચારકોને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ પાસે કોઈ નાનો કારોબાર શરૂ કરી શકાય તેટલા પણ રૂપિયા નથી. હું ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને મળવા જઈશ.
#WATCH | Delhi | LoP, Lok Sabha, Rahul Gandhi says, "The point is this is no way to treat the young people of this country. The young people of this country do not have opportunities; all the doors are closed; one door is open for competitive exams, which is also destroyed. These… pic.twitter.com/oShKkLfFd1
— ANI (@ANI) July 21, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈ પૂછવામાં આવેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. પરંતુ લાઠીચાર્જ ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત થયો છે, તેથી ગૃહ મંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી તથા અન્ય સાંસદોએ લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી હતી. કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, વિપક્ષે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમાં તેમની નિષ્ફળતા પર સ્પષ્ટીકરણ કરે તેવી માંગ કરી છે.
વેણુગોપાલે એક્સ પર લખ્યું, રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો સાથે લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. વિપક્ષને નીટ અને સીબીએસઈમાં ગરબડ તથા શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર પોલીસે કરેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવવા સમય આપવાની માંગ કરી હતી.
વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીથી દુખી થઈને રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનો જન્મદિવસ નહીં મનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે શાંતિપૂર્ણ લોકતાંત્રિક વિરોધને દબાવવા કરવામાં આવેલા બળ પ્રયોગની નિંદા કરી હતી.