Thu Sep 17 2026

Logo

બાઇક ચાલકને બચાવવાના ચક્કરમાં બેસ્ટ બસ રોડ ડિવાઇડર સાથે અથડાઈ

2026-07-21 19:59:57
Author: Sapna Desai
બાઇક ચાલકને બચાવવાના ચક્કરમાં બેસ્ટ બસ રોડ ડિવાઇડર સાથે અથડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલી (પૂર્વ)માં દૌલતનગર બસ સ્ટેન્ડ નજીક સોમવારે મોડી સાંજે એક અજાણ્યા બાઇક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બેસ્ટ બસ રોડ ડિવાઇડર સાથે જોશભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મુસાફરોને ઈજા  થઈ નહોત અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

બેસ્ટ ઉપક્રમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર માગાથાણા ડેપોની એ-૪૬૨ રૂટની બસ મોડી સાંજે વૈશાલી નગરથી બોરીવલી (પૂર્વ) તરફ જઈ રહી હતી. દૌલતનગર બસ સ્ટેન્ડ પહોંચતાની સાથે જ એક અજાણ્યો બાઇક ચાલક અચાનક ડાબી બાજુથી બસની સામે આવી ગયો. ડ્રાઇવરે તેને બચાવવા માટે બસને જમણી બાજુ ફેરવી દીધી.

જોકે તેના કારણે બસ રોડ ડિવાઇડર સાથે ભટકાઈ  ગઈ હતી. ઘટના બાદ બસને ટોઇંગ વૅનની મદદથી ડિવાઇડર પરથી હટાવીને માગઠાણે ડેપોમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ કસ્તુરબા માર્ગ પોલીસને કરવામાં આવી હતી. આ કેસમાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે બસ ડ્રાઇવર અને કંડક્ટરની માહિતી નોંધી હતી.