Thu Jul 23 2026

Logo

પરેલની ગૉલ્ડ લોન્સ કંપનીના સૉફ્ટવેર અને બૅન્કિંગ સિસ્ટમ હૅક કરી 78.10 લાખની ઉચાપત

2026-07-21 17:58:50
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પરેલમાં આવેલી ખાનગી ગૉલ્ડ લોન્સ કંપનીના સૉફ્ટવેર અને બૅન્કિંગ સિસ્ટમનું એક્સિસ મેળવીને અજાણ્યા હૅકર્સે અઢી કલાકમાં 18 ટ્રાન્ઝેક્શન દ્વારા 78.10 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બીજે દિવસે આર્થિક વ્યવહારોનો તાળો મેળવતી વખતે કથિત સાયબર ફ્રોડની જાણ થતાં કંપનીના ડિરેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

છેલ્લાં છ વર્ષથી પરેલની ગૉલ્ડ લોન્સ કંપનીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા અમિત માલપાણીએ આ મામલે સેન્ટ્રલ રિજન સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 13 જુલાઈની સવારે 10.49થી બપોરે 12.18 વાગ્યા દરમિયાન 18 ટ્રાન્ઝેક્શન દ્વારા 78.10 લાખ રૂપિયા વિવિધ અજાણ્યા બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીની કંપની દ્વારા ગ્રાહકોનું સોનું ગિરવી મૂકી તેની સામે ગૉલ્ડ લોન આપવામાં આવે છે. આ માટે લોન માટે અરજી કરનારા ગ્રાહકના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. લોન સંબંધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ગ્રાહકના બૅન્ક ખાતામાં લોનની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પ્રક્રિયા સરળ કરવા માટે કંપની દ્વારા લોન મૅનેજમેન્ટ સિસ્ટમ સૉફ્ટવેર ‘ઓમ્નીફિન’નો ઉપયોગ કરવામાં આવે છે.

લોન સંબંધી આર્થિક વ્યવહાર માટે કંપનીનું ખાતું એક ખાનગી બૅન્કમાં છે, જે બૅન્કની વિશેષ સિસ્ટમ સાથે જોડાયેલું છે. કંપની દ્વારા લોન સંબંધી માહિતી પૂરી પાડવામાં આવ્યા પછી બૅન્કમાંથી સંબંધિત ગ્રાહકના ખાતામાં ઓટોમેટિક રકમ ટ્રાન્સફર કરવાની સુવિધા આ સિસ્ટમમાં છે. આ માટે ઓટીપી કે અલગથી મંજૂરી લેવાની જરૂર નથી.

14 જુલાઈએ કંપનીના અધિકારી દ્વારા આગલા દિવસના આર્થિક વ્યવહારની ચકાસણી અને તાળો મેળવવામાં આવતાં ગરબડ જણાઈ હતી. તપાસ કરતાં લોન મંજૂરી વિના જ નાણાં ટ્રાન્સફર થયાંનું જણાયું હતું. ફરિયાદીએ શંકા વ્યક્ત કરી હતી કે અજાણ્યા હૅકરે કંપનીના સૉફ્ટવેર અને બૅન્કની સિસ્ટમનું એક્સેસ મેળવી આ ઉચાપત કરી હતી. સાયબર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.