Wed Jul 22 2026

Logo

રાહુલ ગાંધી પોતાની વાત પરથી ફરી ગયા? સરકારે ચર્ચા સ્વીકારી કરી નવી જ માંગ!

2026-07-21 19:45:31
Author: Devayat Khatana
Article Image

PM આવાસ પાસે ધરણાં દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો દાવો

નવી દિલ્હી: જંતર મંતર પર ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ સહિતની અન્ય રાજકીય પાર્ટીઓ પણ ઉતરી આવી છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અન્ય વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સાથે અચાનક વડાપ્રધાન આવાસ નજીક ધરણાં શરૂ કરી દીધા હતા. આ પ્રદર્શનને પગલે સરકાર તરફથી કેન્દ્રીય રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન તેમની સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. જિતેન્દ્ર સિંહે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ સ્થળ વિરોધ પ્રદર્શન માટે યોગ્ય ન હોવાનું અને તેનાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવીને ધરણાં સમેટી લેવા વિનંતી કરી હતી.

સરકાર સંસદમાં ચર્ચા કરવા તૈયાર

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ એવી માંગ મૂકી હતી કે જો સરકાર સંસદમાં NEET અને તેને લગતા આંદોલનના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર થાય, તો તેઓ તરત જ ધરણાં ખતમ કરી દેશે. 

આ માંગણી મળ્યાની થોડી જ ક્ષણોમાં, સરકારના ટોચના નેતૃત્વની મંજૂરી લઈને રાહુલ ગાંધીને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેમની આ માંગ સ્વીકારી લેવામાં આવી છે અને સરકાર સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

માગણીઓ અચાનક બદલાઈ ગઈ

જોકે, સરકારની સહમતિ મળ્યા બાદ રાહુલ ગાંધી પોતાની વાત પરથી ફરી ગયા હોવાનો દાવો કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો હતો. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ચર્ચાની માંગ સ્વીકારાઈ ગયાની જાણ થતાં જ રાહુલ ગાંધીએ નવી શરત ઉમેરતા કહ્યું કે હવે તેમને કેન્દ્રીય શિક્ષણ પ્રધાનનું રાજીનામું પણ જોઈએ છે. જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે પહેલા તેમણે માત્ર ચર્ચાની જ માંગ કરી હતી, ત્યારે તેમણે કહ્યું કે હવે તેમની માંગણીઓ બદલાઈ ગઈ છે. 

ઝડપથી ફરી જવાનું દુર્ભાગ્યપૂર્ણ

આ સમગ્ર ઘટનાક્રમ અંગે નારાજગી વ્યક્ત કરતા જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જેવા સિનિયર નેતા અને વિપક્ષના નેતાનું પોતાની વાત પરથી આટલી જલ્દી ફરી જવું એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને તે લોકશાહીના નિયમોની વિરુદ્ધ છે. 

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર NEETના ગંભીર મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ તેનાથી વિપરીત કોંગ્રેસ પાર્ટીએ નિયમો અનુસાર આ મુદ્દે ઔપચારિક ચર્ચા માટે હજુ સુધી કોઈ જ નોટિસ આપી નથી.