(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: શહેરને કદરૂપુ બનાવતા અનધિકૃત પોસ્ટરો, બેનરો, ફ્લેક્સ અને હોર્ડિંગ્સ સામે થાણે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સામે મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ૧૩ થી ૨૦ જુલાઈ સુધી આઠ દિવસના અભિયાનમાં ૧,૫૨૪ જેટલા અનધિકૃત પોસ્ટરો, બેનરો, ફ્લેક્સ અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. તથા નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પાંચ ફોજદારી કેસ નોંધાયા છે.
તીન હાથ નાકા ખાતે ફૂટઓવર બ્રિજ પર લગાવવામાં આવેલ અનધિકૃત જન્મદિવસનું બેનર ૧૩ જુલાઈના રોજ તૂટી પડ્યું હતું. આ પૃષ્ઠભૂમિમાં પ્રશાસનને શહેરના તમામ અનધિકૃત હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એ બાદ પાલિકા કમિશનરના નિર્દેશ મુજબ શહેરના તમામ વોર્ડ સમિતિ વિસ્તારોમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન પાલિકા પ્રશાસને પરવાનગી વિના જાહેરાતો લગાવનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરી હતી. તે મુજબ કુલ પાંચ ફોજદારી કેસ નોંધાયા હતા, જેમાં નૌપાડા-કોપરી વોર્ડ સમિતિ વિસ્તારમાં બે અને દિવા વોર્ડ સમિતિ વિસ્તારમાં ત્રણ કેસ નોંધાયા હતા.
અનધિકૃત પોસ્ટરો, બેનરો અને ફ્લેક્સ માત્ર શહેરને કદરૂપું જ નથી કરતા પણ રાહદારીઓ અને વાહનચાલકોની સલામતી માટે પણ ખતરો ઉભો કરે છે.
ગેરકાયદે રીતે લગાડવામાં આવેલી જાહેરાતોના હૉર્ડિંગ્સ ખાસ કરીને જાહેર સ્થળો, ફ્લાયઓવર, ફૂટઓવર બ્રિજ, ચોક અને મુખ્ય રસ્તાઓ પર લગાવવામાં આવે છે અને અકસ્માતોનું કારણ બની શકે છે. તેથી પાલિકા પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે આવી અનધિકૃત જાહેરાતો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે.